ગોધરા તાલુકામાં ચાંદીપુરમ વાયરસનો ભોગ બનેલ 4 વર્ષિય બાળકીનુ એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

  • પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસથી મોતને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ મોડ ઉપર

પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકાની કોટડા ગામની 4 વર્ષિય બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરલ વાયરસના લક્ષણો સાથે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લવાઈ હતી. ત્યાંથી વધુ સારવાર માટે બાળકીને વડોદરા એસ.એસ.જી.માં રિફર કરવામાં આવી હતી. વડોદરા એસ.એસ.જી.માં સારવાર દરમિયાન બાળકીનુ મોત નીપજયું હતુ. જિલ્લામાં ચાંદીપુરમ વાયરસને લઈ એક બાળકીનુ મોત થતાં જિલ્લા આરોગ્ય તંત્ર એકશનમાં આવીને સર્વેની કામગીરી હાથ ધરી છે.

ગુજરાત રાજયના અનેક જિલ્લાઓમાં ચાંદીપુરમ વાયરસના દર્દીઓ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ ઉપર આવ્યુ છે. ત્યારે ગોધરા તાલુકાના કોટડા ગામની 4 વર્ષિય બાળકીને તાવ, ઝાડા-ઉલ્ટી, અને ખેંચ જેવા શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણો જણાઈ આવતા બાળકીને સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને વધુ સારવારની જરૂર હોય જેને લઈ બાળકીને વડોદરા એસ.એસ.જી.ખાતે રિફર કરવામાં આવી હતી. વડોદરા હોસ્પિટલમાં બાળકીના સીરમ સેમ્પલ એકત્ર કરી એનઆઈવી પુણે ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર લવાયેલ બાળકીની રાત્રિના સમયે તબિયત લથડતા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ રાત્રિના 12.30 કલાકે ચાંદીપુરમ વાયરસના કારણે બાળકીનુ મોત નીપજયું હતુ. હોસ્પિટલ દ્વારા બાળકીનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસને લઈ એક બાળકીનુ મોત નીપજતા જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક બન્યુ છે. અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેની કામગીરી તેમજ દવાના છંટકાવ કરવાની કામગીરીને ગતિ આપવામાં આવી છે.