દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે એક અજાણ્યા વાહનના ચાલકે એક મોપેટ ટુ વ્હીલર ગાડીને અડફેટમાં લેતાં મોપેટ ટુ વ્હીલર ગાડી પર સવાર એક પિતા તથા તેમની બે પુત્રીઓને પૈકી પિતાના શરીરે ફોર વ્હીલર ગાડીના ચાલકે ટાયર ચઢાવી દેતાં પિતાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બંન્ને ઈજાગ્રસ્ત પુત્રીઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.
ગત તા.16મી જુલાઈના રોજ ઝાલોદના સીમલીયા ગામે તળ ફળિયામાં રહેતાં મંગુભાઈ બાબુભાઈ ડાંગી તથા તેમની બે પુત્રીઓ શિવાનીબેન તથા પ્રિતીબેનને લઈ પોતાના કબજાની મોપેડ ટુ વ્હીલર ગાડી પર સવાર થઈ લીમખેડાના જુનાવડીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મંગુભાઈની મોપેડ ટુ વ્હીલર ગાડીને અડફેટમાં લેતાં પિતા અને બંન્ને પુત્રીઓ મોપેડ ટુ વ્હીલર ગાડી પરથી ફંગોળાઈ જમીન પર ફંગોળાતાં મંગુભાઈના શરીરે અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાની ગાડીનું ટાયર શરીરે ચઢાવી દેતાં મંગુભાઈને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.
જ્યારે તેમની બંન્ને પુત્રીઓને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ સ્થાનીક લોકોને થતાં આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતી હતી. પોલીસ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને લઈ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક મંગુભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરવામાં આવ્યાં હતા. જ્યારે બંન્ને ઈજાગ્રસ્ત પુત્રીઓને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ મૃતક મંગુભાઈના પરિવારજનોને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે સુમીત્રાબેન મંગુભાઈ ડાંગીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.