લીમખેડામાં ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયેલ બોલેરો ગાડી પ્રકરણમાં DYSP ડ્રાઈવરની હેરાફેરીમાં સંડોવણી બહાર આવતાં અટકાયત કરાઈ

એકાદ સપ્તાહ પહેલા દાહોદ એલસીબી પોલીસે લીમખેડા નગર માંથી એક બોલેરો ફોર વ્હીલર ગાડી માંથી રૂા.1,62,480ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીમાં સવાર બે ઈસમોની અટકાયત કરી હતી.ફ જ્યારે એક ઈસમ નાશી જવામાં સફળ રહ્યો હતો. ત્યારે પોલીસે બોલેરો ગાડી મળી કુલ રૂા.6,62,480નો મુદ્દામાલ કબજે કરી આ અંગે તપાસનો ધમધમાટ આરંભ કરતાં પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવતાં દાહોદ જીલ્લા પોલીસ વિભાગમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી.

આ વિદેશી દારૂની હેરાફેરીમાં ખુદ લીમખેડાના ડીવાયએસપીના ડ્રાઈવર ભુપેન્દ્રભાઈ યશવંતસીંહ રાઠોડની ભુમિકામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું પોલીસ સામે ફલીત થતાં પોલીસ વિભાગ ખુદ અચંબામાં મુકાઈ ગઈ હતી. દાહોદ એલસીબી પોલીસે તાત્કાલિક ધોરણે ડીવાયએસપીના ડ્રાઈવર ભુપેન્દ્ર રાઠોડની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગત તા.06 જુલાઈના રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે લીમખેડાના વિશ્રામગૃહ પાસે રસ્તા પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને બોલેરો ફોર વ્હીલર ગાડી નજીક આવતાં સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર ચાલક રીતેશભાઈ મકનસીંહ ચૌહાણ અને તેની સાથેનો વિશાલભાઈ હિમસીંગ બારીયા (બંન્ને રહે. મધ્યપ્રદેશ)નાઓની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળતાં પોલીસે બોલેરો ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.1104 કિંમત રૂા.1,62,480ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.6,62,480નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમોની પુછપરછ કરતાં તેઓની સાથે અન્ય એક ઈસમ લક્ષ્મણભાઈ ડામોર (રહે. લીમખેડા, તા. લીમખેડા, જી. દાહોદ)નો પણ હોવાનું જણાવ્યું હતું અને તે દુરથી પોલીસને જોઈ નાસી ગયો હોવાનું ઉપરોક્ત બંન્ને ઈસમોને પોલીસ મથકે લાવી પુછપરછનો દૌર આરંભ કર્યો હતો અને તેઓના મોબાઈલ ફોનને ટ્રેસીંગ કરતાં તેમાં લીમખેડાના ડીવાયએસપી ભુપેન્દ્રભાઈ યશવંતસીંહ રાઠોડનું નામ અને નંબર સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવતાં ખુદ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

પોલીસે ઝડપાયેલ ઉપરોક્ત બંન્ને ઈસમોની સઘન પુછપરછ કરતાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગરોની સાથે ભુપેન્દ્રભાઈ રાઠોડની સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું હતું અને હેરાફેરીમાં તેઓના વાહનોનું પાયલોટીંગ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આમ, ખુદ લીમખેડાના ડીવાયએસપીના ડ્રાઈવર ભુપેન્દ્રભાઈ રાઠોડની આ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવણી બહાર આવતાં દાહોદ જીલ્લા પોલીસ બેડામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ડીવાયએસપીના ડ્રાઈવર ભુપેન્દ્રભાઈ રાઠોડની અટકાયત કરી આ સંબંધે જરૂરી રિપોર્ટ જીલ્લા પોલીસ વડા સહિતના સંબંધિત પોલીસ વિભાગને મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.