મોરબી દુર્ઘટના બાદ ગુજરાત સરકારને હાઈકોર્ટનો મોટો આદેશ, કહ્યું રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરી યોગ્ય રિપોર્ટ રજૂ કરો

  • મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી
  • ગુજરાત સરકારને હાઇકોર્ટે આપ્યો તમામ બ્રિજનો સર્વે કરવાનો આદેશ
  • HCએ કહ્યું- ‘એ સુનિશ્ચિત કરો કે પુલ યોગ્ય સ્થિતિમાં છે.’

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. જે કરુણ ઘટનાને લઇને વિશ્વભરમાં હાહાકાર મચી ગયો હતો. મોરબી બ્રિજ દુર્ઘટના કેસની આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને અપાયેલું વળતર ખૂબ ઓછું હોવાની ટકોર કરી હતી. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે મોરબી બ્રિજ દુર્ઘટનાને ગંભીરતાથી લઈને તમામ બ્રિજનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે.  ગુજરાત હાઈકોર્ટે તમામ પુલ યોગ્ય સ્થિતિમાં છે કે નહીં એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટે તમામ બ્રિજના સર્વેના રિપોર્ટને 10 દિવસમાં રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે. 

હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો
આજે મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં આ સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા મોરબી નગરપાલિકા તરફથી દેવાંગ વ્યાસ હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી. હાઈકોર્ટ જણાવ્યું હતું કે, તમે 2017થી 2022 સુધી શું કર્યુ?, બ્રિજ માર્ચ 2022માં બંધ કરાયો તે પહેલા શું કર્યુ?. આ દરમિયાન દલીલ કરતા વકીલ વ્યાસે જણાવ્યું હતું કે, કોઈએ બ્રિજ ચલાવવાની મંજૂરી આપી નહોતી. જેના પર પ્રતિક્રિયા આપતા હાઈકોર્ટે કહ્યું હતું કે,  તો તમે એને અટકાવવા માટે કશું જ ન કર્યુ, નિષ્ક્રીયતા શા માટે દાખવી? વધુમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, SITનો કોઈ રિપોર્ટ આવ્યો હોય તો સીલ બંધ કવરમાં રજૂ કરો. બ્રિજ સાથે સંકડાયેલી તમામ ફાઈલો કોર્ટમાં રજૂ કરો. 

વળતર અંગનો રિપોર્ટ કરાયો રજૂ
મોરબી બ્રિજ દુર્ઘટના કેસની સુનાવણી દરમિયાન ગુજરાત માનવાધિકાર આયોગે પીડિતોને આપવામાં આવેલા વળતર અંગેનો વચગાળાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકાર તરફથી જે વળતર આપવામાં આવ્યા છે. તે અંગે હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે, મૃતકો અને ઈજાગ્રસ્તના પરિવારને આપવામાં આવેલું વળતર ઓછું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાને 50 હજાર અને મૃતકોના પરિવારજનોને આપવામાં આવેલું 4 લાખ વળતર ઓછું છે. જ્યારે ઈજાગ્રસ્તોને ઈજા કેવી રીતે પહોંચી તેની જાણકારી આપવામાં આવી નથી.

તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરી 10 દિવસમાં રિપોર્ટ માગ્યો
રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવેલા એફિડેવિટ અંગે હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘રાજ્ય સરકાર નવું એફિડેવિટ ફાઈલ કરે, જેથી વળતર વધારી શકાય. જ્યારે બ્રિજનું મોનિટરિંગ, મેનેજિંગ અને કંટ્રોલ કરતા અધિકારી તમામ બ્રિજની ખાતરી કરે અને રાજ્યમાં જેટલા બ્રિજ છે, તેનો સર્વે કરીને તેનો રિપોર્ટ 10 દિવસમાં રજૂ કરે.’

9 માંથી 8 આરોપીઓએ કરી હતી જમીન માટે અરજી
અત્રે ઉલ્લેખનીય છે કે,   મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. જે કરુણ ઘટનાને લઇને વિશ્વભરમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ ઉઠતાં આ પુલનું રખરખાવની જવાબદારી સાંભળતી ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવતા મેનેજર સહીત 9 આરોપીઓને પોલીસે ઝડપી લિધા હતા. જેમાં જેલ હવાલે રહેલા 8 આરોપીઓની જમીન અરજી કરી હતી. તેમાં કેસની ગંભીરતાને ધ્યાને લઇને મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટે  આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.