આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં મહારાષ્ટ્રનો સમાવેશ પણ થાય છે. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી પહેલા જ અજિત પવારની એનસીપી (એનસીપી)ને આંચકો લાગવા માડ્યાં છે. ચાર દિગ્ગજ નેતાઓએ એનસીપી છોડી દેતા મહારાષ્ટ્રમાં ભાજપ (ભાજપ) ટેન્શમાં આવી ગઈ છે.
એનસીપી નેતા અજિત પવારની મુશ્કેલીઓ વધી રહી છે. લોક્સભા ચૂંટણીમાં તેમની પાર્ટીને રાયગઢમાં માત્ર એક બેઠક પર જ જીત મેળવી શકી હતી. આ હારને ભૂલીને પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી હતી. જો કે ચાર મોટા નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. પિંપરી ચિંચવડના ચાર ટોચના નેતાઓએ અજિત પવારની પાર્ટીને છોડી દીધી છે. આ ચારેય નેતા હવે શરદ પવારની પાર્ટીમાં સામેલ થઈ શકે તેવી અટકળો લગાવાઈ રહી છે. પિંપરી ચિંચવડ યુનિટના અયક્ષ અજિત ગવહાણેએ પોતાનું રાજીનામું અજિત પવારને મોકલી દીધું છે.
આ ઉપરાંત વિદ્યાર્થી પાંખના વડા યશ સાને, પૂર્વ કાઉન્સિલર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકર પણ પક્ષ બદલવાની તૈયારી કરી રહ્યા છે. આ રાજીનામા એવા સમયે આવ્યા છે જ્યારે એવા અહેવાલો છે કે અજિત પવાર કેમ્પના ઘણા ધારાસભ્યો અને નેતાઓ હવે શરદ પવારની પાર્ટીમાં સામેલ થઈ શકે છે. થોડા દિવસો પહેલા જ દિગ્ગજ ઓબીસી નેતા છગન ભુજબળે શરદ પવાર સાથે લાંબી મુલાકાત કરી હતી. આ બેઠકમાં અનામત સહિત અનેક બાબતો પર ચર્ચા થઈ હતી, પરંતુ અટકળો ચાલી રહી છે કે ભુજબળ અજિત પવારને છોડી શકે છે. આવી સ્થિતિમાં એનડીએમાં અજિત પવારની સ્થિતિ પણ નબળી પડશે અને તેઓ વિધાનસભા ચૂંટણીમાં વધુ બેઠકોની માંગ કરી શકશે નહીં.
નોંધનીય છેકે અજિત પવારે ગયા વર્ષે તેમના કાકા સામે બળવો કરીને એનસીપીના લગભગ ૪૦ ધારાસભ્યો સાથે સરકાર સાથે ગઠબંધન કરીને ડેપ્યુટી સીએમ બન્યા હતા. શરદ પવારે ગયા મહિને જ કહ્યું હતું કે ’જે લોકો પાર્ટીને નબળી પાડવા માંગે છે તેમને સ્વીકારવામાં આવશે નહીં. પરંતુ એવા નેતાઓ જેમણે સંગઠનને મજબૂત કર્યું છે અને પક્ષની છબી ખરાબ કરી નથી તેઓને પ્રવેશ આપવામાં આવશે.’