વલસાડના ભેંસાધરા ગામમાં નદીના ભારે પ્રવાહમાં જીવના જોખમે અંતિમયાત્રા કાઢવા લાચાર બન્યા

વલસાડ જીલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અનેક ગામો વરસાદના પાણીમાં ડૂબ્યા છે. સાંબેલાધાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નદીનાં ધસમસતા પ્રવાહમાં અંતિમયાત્રા નીકળી છે. લોકો નિયત વિધિ પૂર્ણ કરવા સ્મશાન જવા નદીમાં પસાર થવા મજબૂર થયા છે. જીવના જોખમે નદીના પાણીમાં અંતિમયાત્રા કાઢી છે.

ભેંસધરા ગામમાં લોકો કોઝવે કે પુલના અભાવે આવનજાવન કરી શક્તા નથી. વલસાડ પ્રશાસને પ્રજાની સુરક્ષા અને સાવધાનીની તકેદારીરૂપે કોઝવે કે પુલનું બાંધકામ કરાવવું જોઈએ તેવી માગ ઉઠી છે. પ્રધાનમંત્રી ગ્રામ સ્વરાજ યોજના હેઠળ દરેક ગામમાં પાકી સડક બનાવવા કેન્દ્ર સરકાર પૂરતું ભંડોળ ફાળવે છે. એટલું જ નહીં, રાજ્ય અને કેન્દ્રમાં ડબલ એન્જીનની સરકાર હોવા છતાં હજું સુધી અંતરિયાળ ગામ એવા ભેંસાધરા ગામનો વિકાસ શા માટે નથી થયો? શા માટે ગ્રામજનોને પાયાની એવી માળખાગત સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે. વિધાનસભામાં ૧૫૬થી પણ વધુ બેઠક હોવા છતા પણ પાયાગત સુવિધા કેમ પૂરી પાડવામાં આવી નથી. ધરમપુરના લોકો આ મામલે સરકારને રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.