ઓમાનની રાજધાની મસ્ક્તમાં એક મસ્જિદ પાસે ફાયરિંગ,૪ લોકોનાં મોત

ઓમાનની રાજધાની મસ્ક્તમાં એક મસ્જિદ પાસે ફાયરિંગની ઘટના બની છે, જેમાં ૪ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ હોવાનું કહેવાય છે. રોયલ ઓમાન પોલીસે જણાવ્યું કે આ ઘટના વાડી અલ કબીર વિસ્તારમાં મોજદુમાં એક મસ્જિદ પાસે બની હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. આ ઘટનાને પહોંચી વળવા સુરક્ષાના કડક પગલા લેવામાં આવ્યા છે.

ઓમાનની રોયલ પોલીસે ટ્વીટ કરીને આ હુમલાની માહિતી શેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે અને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વર્લ્ડ સોર્સ ન્યૂઝે આ ઘટનાને આતંકવાદી પ્રવૃત્તિ ગણાવી છે. એવું પણ કહેવાય છે કે મસ્જિદની અંદર ૭૦૦ લોકો ફસાયેલા છે. આ ઘટનાને શિયા સમુદાય વિરુદ્ધની ઘટના સાથે જોડવામાં આવી રહી છે.

અલ બાવાબા ન્યૂઝ અનુસાર ઘટના સ્થળે કેટલાક પાકિસ્તાની પણ હાજર હતા. ઓમાન પોલીસે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકો પણ સામેલ છે. હાલમાં રોયલ ઓમાન પોલીસને હજુ સુધી ફાયરિંગનું કારણ જાણવા મળ્યું નથી. આ સાથે હુમલો કરનારા લોકો વિશે પણ કોઈ માહિતી સામે આવી નથી.

ઓમાન અરબી દ્વીપકલ્પ્ની પૂર્વ ધાર પર આવેલું છે. ઓમાનની સલ્તનતમાં આ પ્રકારની હિંસા ભાગ્યે જ જોવા મળે છે. અહેવાલ મુજબ મસ્ક્તમાં ગોળીબારની ઘટના બાદ યુએસ એમ્બેસીએ અમેરિકનોને ઘટના વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી જારી કરી છે. હાલ આ સમગ્ર મામલે ઓમાન પોલીસ દ્વારા વધુ માહિતી આપવામાં આવી નથી.