ભારતમાં રહીને કૅનેડા વિશે મેં જે કંઈ વિચાર્યું હતું તેવું કશું નથી બન્યું. અહીં આવીને બધું તદ્દન વિપરીત થયું છે. અહીં સંઘર્ષ અને તણાવ છે.આ શબ્દો કૅનેડામાં વસતા જસનપ્રિતસિંહના છે. જેમની કૅનેડા પૉસ્ટ ગ્રૅજ્યુએટ વર્ક પરમિટની મુદ્દત પૂર્ણ થવામાં છે, જેના કારણે તેઓ ચિંતિત છે.ભારતમાં ધો. ૧૨ની પરીક્ષા પાસ કરીને આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સપનાં લઈને જસનપ્રિતસિંહ વર્ષ ૨૦૧૯માં કૅનેડા આવ્યા હતા.પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમને ત્રણ વર્ષ માટેની પૉસ્ટ-ગ્રૅજ્યુએટ વર્ક પરમિટ મળી હતી.જસનપ્રિતસિંહની પીઆર (કાયમી નિવાસ) અંગેની અરજીનો નિર્ણય થવાનો બાકી છે, જેના કારણે તેઓ ચિંતિત છે.
ખેડૂત પરિવારમાં જન્મેલા જસનપ્રિતસિંહે કૅનેડાના વિનિપૅગથી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે તેમણે ઑન્ટારિયોની કિચનૅર કૉલેજમાંથી અભ્યાસ કર્યો છે. કાયમી નાગરિકત્વ મળી શકે તે માટે વર્ષ ૨૦૨૨માં તેઓ વિનિપૅગ આવી ગયા.અહીં એક વર્ષ સુધી કામ કર્યા બાદ તેમણે પીએનપી (પ્રૉવિન્શલ નૉમિનેશન પ્રૉગ્રામ) હેઠળ કાયમી નાગરિકત્વ માટેની અરજી કરી, જે વિચારાધીન છે. જસનપ્રિતસિંહને આશા છે કે હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની જેમ પીએનપીનો કાર્યક્રમ તેમને પણ કૅનેડાનું કાયમી નાગરિકત્વ અપાવવામાં મદદરૂપ થશે. આ સિવાય ઍક્સપ્રેસ ઍન્ટ્રીથી કૅનેડાનું નાગરિકત્વ મળે છે.જસનપ્રિતસિંહનું કહેવું છે, મારી કામ કરવાની પરમિટની મુદ્દત પૂરી થઈ ગઈ છે અને કાયમી નાગરિકત્વ માટેની અરજી પૅન્ડિંગ છે, એટલે મને મારા ભવિષ્યની ચિંતા થાય છે.
આઈસીઈએફ મૉનિટર આંતરરાષ્ટ્રીય શૈક્ષણિકક્ષેત્રની ઉપર નજર રાખતી સંસ્થા છે. તેના અભ્યાસ પ્રમાણે, કૅનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં જંગી વધારો થયો છે.સંસ્થાના આંકડા પ્રમાણે, ૧૦ લાખ ૪૦ હજાર ૯૮૫ વિદ્યાર્થીઓએ સ્ટડી પરમિટને આધારે કૅનેડામાં પ્રવેશ લીધો. જે વર્ષ ૨૦૨૨ના આંકડા કરતાં ૨૯ ટકાની વૃદ્ધિ સૂચવે છે.
કૅનેડા દ્વારા છ મહિનાથી વધુ મુદ્દતના કૉર્ષ તથા સ્નાત્તકોત્તર અભ્યાસ માટે સ્ટડી પરમિટ આપવામાં આવે છે. આઈસીએફના ડેટા પ્રમાણે, અભ્યાસ માટે કૅનેડા જનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં અડધોઅડધ ભારત તથા ચીનના છે. ફિલિપિન્સ, નાઇજિરિયા તથા ફ્રાન્સ એ પછીના ક્રમે આવે છે.નિષ્ણાતોનું કહેવું છે કે કૅનેડા સરકાર વર્ક પરમિટ નહીં લંબાવવાનો તેનો નિર્ણય બદલશે નહીં તો ભારતીય વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી શકે છે, જેઓ મોટી સંખ્યામાં ત્યાં અભ્યાસ કરી રહ્યા છે.
કૅનાડા વિનિપૅગમાં રહેતાં જસનપ્રિતસિંહ જેવા ચીન-દક્ષિણ એશિયાના અનેક યુવાનો આ રેલીમાં જોડાયા હતા. તેમણે કૅનેડાની કેન્દ્રીય તથા પ્રાંતીય સરકાર સમક્ષ માગ કરી હતી કે જેમની વર્ક પરમિટ સમાપ્ત થઈ ગઈ છે, તેમની મુદ્દત લંબાવી દેવામાં આવે. આ સિવાય પણ તેમણે કેટલીક રજૂઆતો કરી હતી.જસનપ્રિતસિંહ જેવા યુવાનોએ ’ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઍન્ડ સ્કિલ્ડ વર્કર યુનિયન’ની સ્થાપના કરી છે અને તેના નેજા હેઠળ તેમણે વર્ક પરમિટની મુદ્દત લંબાવવા માટેની ચળવળ હાથ ધરી છે.
જસનપ્રિતસિંહનું કહેવું છે કે કૅનેડાની પ્રાંતીય તથા કેન્દ્રીય સરકારોએ ચૂપચાપ તેના નિયમો બદલી નાખ્યા છે, જેના કારણે તેમના જેવા હજારો યુવાનોનું કૅનેડામાં સ્થાયી થવાનું સપનું રોળાય જાય તેમ છે અને તેમણે કૅનેડા છોડવું પડી શકે છે.લૅબર માર્કૅટ ઇમ્પૅક્ટ ઍસેસમૅન્ટ (એલએમઆઈએ) જેવા વિકલ્પ છે, પરંતુ તે ખૂબ જ ખર્ચાળ છે. એલએમઆઈએ હેઠળ નોકરીદાતા કોઈપણ વિદેશી નાગરિકને નોકરીએ રાખી શકે છે, પરંતુ એ પહેલાં તેણે એ વાત પુરવાર કરવી પડે છે કે કોઈ કૅનેડાવાસી આ કામ કરવા માટે કાબેલ નથી.