નશાબંધી મંડળ, ગુજરાતના બે ટ્રસ્ટીઓએ સોમવારે તેના કેટલાક ભૂતપૂર્વ અને વર્તમાન પદાધિકારીઓ પર રૂ. ૧૩ કરોડથી વધુની ગેરરીતિ કરવાનો અને એક ડઝન કર્મચારીઓને નોટિસ વિના નોકરીમાંથી કાઢી મૂકવાનો આરોપ મૂક્યો છે.
વ્યસન મુક્તિ કેન્દ્રો ચલાવતા નશાબંધી મંડળના ૧૨ ટ્રસ્ટીઓમાંથી બે ટ્રસ્ટીઓ વિવેક દેસાઈ અને અચ્યુત ચિનુભાઈ બેરોનેટ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા દેસાઈ, જેમને ગયા મહિને ટ્રસ્ટના ચેરમેન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, “એનજીઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી વાષક રૂ. ૨.૧૧ કરોડ અનુદાન મેળવે છે. કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર અને ભંડોળના દુરુપયોગના મુદ્દા ઉઠાવવા બદલ મને તાજેતરમાં ચેરમેન પદેથી ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવ્યો હતો.”
દેસાઈએ દાવો કર્યો હતો કે પૂર્વ પદાધિકારીઓએ રાણીપમાં જમીનના ટુકડા માટે ૨૦૧૩માં પ્રકાશચંદ્ર અગ્રવાલ નામના વ્યક્તિને ૧૩ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. અગ્રવાલને માલિકીના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા અને સોંપ્યા તે પહેલાં જ તેમને સમગ્ર રકમ ચૂકવવામાં આવી હતી. દેસાઈએ આક્ષેપ કર્યો હતો કે ટ્રસ્ટને ન તો જમીન મળી કે ન તો પૈસા ચૂકવ્યા.
દેસાઈએ નશાબંધી મંડળના ૧૨ કર્મચારીઓને નોટિસ વિના કાઢી નાખવાની કથિત તપાસની પણ માંગ કરી હતી. દેસાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે માંગ કરી રહ્યા છીએ કે આ કેસમાં સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને ટ્રસ્ટનો વહીવટ ચેરિટી કમિશનર દ્વારા લેવામાં આવે.”
દેસાઈ ગાંધીવાદી પ્રકાશન ગૃહ નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. એનજીઓના સેક્રેટરી જિતેન્દ્ર અમીને જોકે આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે ગવનગ બોડીએ પહેલાથી જ અગ્રવાલ સામે જમીન માટે લીધેલા ૧૩ કરોડ રૂપિયા પરત ન કરવા બદલ એફઆઇઆર નોંધી છે.