વિકસિત ગુજરાતના દાવાથી હકીક્ત સાવ વિપરીત જ જોવા મળી રહી છે. રાજ્યની કુલ ૧૫૭ નગરપાલિકામાંથી ૧૦૭ નગરપાલિકામાં પગારના પણ ફાંફા છે. કાયમી કર્મચારીઓનો છેલ્લાં બેથી ત્રણ મહિનાનો પગાર જ થયો નથી.
સત્તાધીશોના સમૃદ્ધ ગુજરાતના દાવાથી વિપરીત બીજી તરફ નગરપાલિકાનું તંત્ર રીતસર ખાડે ગયું છે. નગરપાલિકાઓની આથક પરિસ્થિતિ એટલી કથળી છે કે કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ નાણા નથી. બીજી બાજુ સત્તાધીશો વાઇબ્રન્ટ ગુજરાતના દાવા કરે છે.
મોટાભાગની પાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ ગઈ છે. કેટલીય નગરપાલિકાઓ વીજબિલ ભરવા પણ સક્ષમ નથી. લાખો રૂપિયાનો પાણી વેરો ભરવાનો બાકી છે. પડતા પર પાટુ મારતા હોય તેમ રાજ્ય સરકારે ઓકટ્રોયની ગ્રાન્ટ રોકી રાખી છે. આ મુદ્દે ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી.
આ અવ્યવસ્થાની સ્થિતિના પગલે હજારો કર્મચારીઓ પગારથી વંચિત રહ્યા છે. સરકારી કર્મચારીઓને ઘરના બે છેડા ભરવા મુશ્કેલ થઈ ગયા છે. આ નગરપાલિકાઓ માટે આવકનો કોઈ ોત જ નથી. તેના લીધે આગામી સમયમાં પગાર મામલે આંદોલન થઈ શકે છે.