ગુજરાતીઓ માટે માઉન્ટ આબુ પ્રીતિપાત્ર સ્થળ છે. રજા મળી નથી કે વીકેન્ડ મળ્યો નથી કે ગુજરાતી માઉન્ટ આબુ ફરવા ઉપડ્યા નથી. પણ હવે ગુજરાતીઓ માટે માઉન્ટ આબુને લઈને ચેતવણીજનક સમાચાર આવ્યા છે. માઉન્ટ આબુમાં ફરવા ગયેલા મહેસાણાના ગુજરાતી પ્રવાસીઓના જૂથ પર હુમલો થયો હતો. આ હુમલામાં એક પ્રવાસીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
માઉન્ટ આબુમાં સાત ગુજરાતી પ્રવાસીઓના જૂથ પર પાંચ આરોપીઓએ હુમલો કર્યો હતો. તેમા ૨૫ વર્ષીય યુવાન સાહિલનું મોત થયું હતું. જ્યારે ત્રણ યુવકો ભયથી જંગલમાં છૂપાઈ ગયા હતા. યુવાનના મામાએ માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે પાટણના મંગાભાઈ પન્નાભાઈના જણાવ્યા મુજબ તેમનો ભાણિયો સંજય, ભત્રીજો કિરણ, સાહિલ, નિકુલ અને મયંક સહિત સાત જણા માઉન્ટ આબુ ફરવા ગયા હતા. તેઓ વળાંક પર કાર પાર્ક કરી બેઠાં હતા. આ સમયે સાહિલને બે છોકરા સાથે ઝગડો થયો હતો. આ બે છોકરા જઈને બીજા ત્રણને લઈને આવ્યા હતા. આ પાંચેયે એક્સાથે હુમલો કર્યો હતો. આ હુમલામાં સંજય, મયંક ઇજા પામ્યા હતા.સાહિલને બંને હાઠ, પીઠ અને પેટ પર છરીના ઘા ઝીંકાયા હતા. નકુલ, કિરણ અને રસિક ડરીને જંગલમાં સંતાઈ ગયા હતા. સાહિલને મહેસાણા લઈ જવાતા તેને મૃત જાહેર કરાયો હતો.