અખાડા પરિષદમાંથી ૧૩ સંતોની હકાલપટ્ટી ,ગુપ્ત તપાસ બાદ કડક પગલાં લેવાયા

સંગમ કિનારે યોજાનાર મહાકુંભ-૨૦૨૫ પહેલા સંત સમાજ તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અખિલ ભારતીય અખાડા પરિષદે ૧૩ સંતો અને મહા મંડલેશ્વરોને અખાડામાંથી હાંકી કાઢ્યા છે. તમને જણાવી દઈએ કે અખિલ ભારતીય અખાડા પરિષદ એવા સંતો અને ૠષિઓની ઓળખ કરવામાં સતત વ્યસ્ત છે જેઓ ધાર્મિક પ્રવૃત્તિઓને બદલે પૈસા કમાવવા અને અન્ય પ્રવૃત્તિઓમાં લાગેલા છે. અખાડાઓની આંતરિક તપાસમાં તમામ સંતો ક્સોટી પર ટકી શક્યા નથી અને તેથી જ ૧૩ સંતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને આ સિસ્ટમમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

અખાડા પરિષદની આંતરિક તપાસમાં આ સંતોની કામગીરી સનાતન ધર્મ અને અખાડાના રીતરિવાજો અને નીતિઓ વિરુદ્ધ હોવાનું જણાયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે સંતો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં કેટલાક મહામંડલેશ્ર્વરો પણ સામેલ છે. આ સિવાય ૧૦૦થી વધુ સંતો એવા છે જેમને નોટિસ ફટકારવામાં આવી છે અને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. જો આ સંતો તરફથી સંતોષકારક જવાબ નહીં મળે તો તેમને પણ અખાડામાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. જે સંતોને અખાડામાંથી બહાર કરવામાં આવશે તેઓને ૨૦૨૫માં યોજાનાર મહાકુંભમાં પ્રવેશ નહીં મળે.

અખાડા પરિષદની તપાસમાં મોટા ભાગના હાંકી કાઢવામાં આવેલા સંતો ધામક અનુષ્ઠાન કરવાને બદલે પૈસા કમાવવામાં અને ગુરુકુળની પ્રવૃતિઓ વધારવામાં સંડોવાયેલા હોવાનું જણાયું હતું. આ સાથે કેટલાક સંતોના ગુનાહિત લોકો સાથેના સંબંધો પણ સામે આવ્યા હતા. તે જ સમયે, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કેટલાક મહામંડલેશ્ર્વરોએ અન્ય લોકોને સન્યાસી બનાવીને મહા મંડલેશ્વર બનાવવા માટે પૈસા લીધા હતા. તમને જણાવી દઈએ કે હાલમાં ૧૩ અખાડા છે, જેનું આયોજન અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. અખાડા સાથે સંકળાયેલા સંતોમાં કોઈ ખામી ન રહે તે માટે સમયાંતરે તમામ અખાડાઓ તેમના મહા મંડલેશ્વર, મંડલેશ્વર, મહંત અને શ્રી મહંતની કામગીરીની ગોપનીય તપાસ કરે છે.