પાકિસ્તાનમાં મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે તેના વડા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છે જે હાલમાં જેલમાં છે. ઈમરાન ખાન પર રમખાણો ભડકાવવા, લાંચ લેવા અને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે તેમને આપવામાં આવેલી ભેટો વેચવાના આરોપો છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની પાર્ટીને સારી એવી બેઠકો મળી હતી, પરંતુ તેઓ સત્તામાં ન આવી શક્યા. હવે તેમની પાર્ટી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી થઇ રહી છે. સૂત્રો કહે છે કે પીટીઆઈ વિરુદ્ધ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તરારે કહ્યું કે સરકારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. હવે આ મામલે આગળ કાર્યવાહી કરાશે. આ માંગણી સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ મૂકવામાં આવશે. ઈમરાન ખાને ૧૯૯૬માં પીટીઆઈ પાર્ટીની રચના કરી હતી. ૨૨ વર્ષ પછી એટલે કે ૨૦૧૮માં તેમની પાર્ટી સત્તામાં આવી અને ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાનની રાજકીય ઈનિંગ નબળી રહી અને ૨૦૨૨માં વિશ્ર્વાસ પ્રસ્તાવ હાર્યા બાદ તેમને સત્તા છોડવી પડી હતી.
નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન અને આસિફ અલી ઝરદારીની પીપીપી સહિત અનેક પક્ષોએ ઈમરાન ખાન વિરુદ્ધ ગઠબંધન કર્યું હતું. જેના કારણે તેમને સત્તા પરથી હટવું પડ્યું હતું. ઈમરાન ખાનની એપ્રિલમાં સત્તા પરથી હટ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તોશાખાના કેસમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ ૯ મે, ૨૦૨૨ના રોજ ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની સેનાના અનેક મથકો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે તે ઘટનાને જ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ ગણવામાં આવી રહી છે. જેના કારણે સરકાર હવે સુપ્રીમ કોર્ટમાં જશે અને પીટીઆઈ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરશે.