સેન્સેક્સ ૧૪૫.૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦,૬૬૪.૮૬ પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈએ બંધ રહ્યો હતો. આ સાથે નિફ્ટી ૮૪.૫૫ પોઈન્ટના વધારા સાથે ૨૪,૫૮૬.૭૦ પોઈન્ટની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન, અમેરિકન ચલણ સામે રૂપિયો નવ પૈસા ઘટીને ૮૩.૬૦ (પ્રોવિઝનલ) પ્રતિ ડોલર પર બંધ થયો હતો. વિદેશી ભંડોળના તાજા પ્રવાહ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખરીદીએ આજના ઉછાળામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
બીએસઈના ૩૦ શેરોવાળો સેન્સેક્સ ૧૪૫.૫૨ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકાના વધારા સાથે ૮૦,૬૬૪.૮૬ના નવા રેકોર્ડ હાઈ પર બંધ થયો હતો. દિવસ દરમિયાન તે ૩૪૩.૨ પોઇન્ટ અથવા ૦.૪૨ ટકા વધીને ૮૦,૮૬૨.૫૪ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. દરમિયાન, NSE નિફ્ટી ૮૪.૫૫ પોઈન્ટ અથવા ૦.૩૫ ટકા વધીને ૨૪,૫૮૬.૭૦ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તે ૧૩૨.૯ પોઈન્ટ અથવા ૦.૫૪ ટકા વધીને ૨૪,૬૩૫.૦૫ની નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સ શેરોમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, ટાટા મોટર્સ, મારુતિ અને આઈટીસી ટોચના ગેનર હતા. બીજી તરફ એશિયન પેઈન્ટ્સ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક , જેએસડબ્લ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
એશિયન બજારોમાં સિઓલ અને શાંઘાઈમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે હોંગકોંગમાં ઘટાડો નોંધાયો હતો. યુરોપિયન બજારોમાં ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે યુએસ બજારો સકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા છે. એક્સચેન્જ ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૪,૦૨૧.૬૦ કરોડના શેર ખરીદ્યા હતા. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૮ ટકા વધીને ૮૫.૧૫ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.અગાઉ શુક્રવારે બીએસઇ બેન્ચમાર્ક ૬૨૨ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકા વધીને ૮૦,૫૧૯.૩૪ પર અને નિફ્ટી ૧૮૬.૨૦ પોઈન્ટ અથવા ૦.૭૭ ટકા વધીને ૨૪,૫૦૨.૧૫ પર બંધ થયો હતો.