દક્ષિણ બેઠકના કોંગી નેતા બળદગાડામાં પ્રચાર કરવા નીકર્ળ્યો

રાજકોટ,

વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક રાજકીય પક્ષ પ્રચાર પ્રસારમાં મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરે છે. ત્યારે રાજકોટની દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા શહેરના હરી ઘવા રોડ પર બળદગાડામાં પ્રચાર કરવા નીકળ્યા હતા. અને તેની સાથે કાર્યકરોએ ગેસના બાટલા લઈને મોંઘવારીનો વિરોધ કર્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ-૭૦ દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાએ પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસ સહિતની ચીજ વસ્તુના ભાવ આસમાને પહોંચતા તેઓ બળદગાડામાં પ્રચાર કરવા નીકળ્યા હતા અને કાર્યકરોએ ગેસનો બાટલો માથે મૂકી પેટ્રોલ ડીઝલના વધતા ભાવનો વિરોધ કરી પ્રચાર કર્યો હતો.હિતેશ વોરા રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર છે. તેઓ પાટીદાર સમાજનો ચહેરો છે. વર્ષ ૧૯૯૫ થી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા છે. ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલ છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચુક્યા છે જયારે યુવાવસ્થામાં તેઓ યુથ કોંગ્રેસના રાજકોટ જિલ્લાના મહામંત્રી તરીકે ફરજ નિભાવી ચુક્યા છે. કોટડાસાંગાણી તાલુકા પંચાયતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેઓ રહી ચુક્યા છે. જયારે કોટડાસાંગાણી માર્કેટ યાર્ડના ૩ વખત ડિરેક્ટર રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે લેઉવા પાટીદાર સમાજની અલગ અલગ ધામક અને શૈક્ષણિક સંસ્થામાં ટ્રસ્ટી રહી ચુક્યા છે.રાજકોટની દક્ષિણ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર હિતેશ વોરાએ ૧૫ કરોડની મિલક્ત દર્શાવી છે. કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાએ સોગંદનામામાં જણાવ્યું છે કે, તેઓ કોટડા સાંગાણી તાલુકાનાં વેરાવળ ખાતે આવેલી ફિલ્ડ માર્શલ હાઈસ્કૂલમાં ધો.૧૦ સુધી ભણેલા છે, હાલ તેઓ નાનામવા મેઈન રોડ ઉપર આવેલ ગંગા સાગર પાર્કમાં રહે છે. વ્યવસાયે ઉદ્યોગપતિ એવા હિતેશ વોરાએ ચાલુ વર્ષમાં રૂ,૪,૯૭,૬૧૦ રિર્ટન પેટે ભર્યા છે. જ્યારે પત્નિએ રૂ.૪.૭૩ લાખ અને પુત્રએ રૂ.૫.૪૦ લાખ રિર્ટન પેટે ભર્યા છે. તેઓ ઉપર એક પણ ફોજદારી ગુનો નથી. તેમજ તેઓનું ૫૮.૨૭ લાખનું લેણુ પણ છે. જ્યારે હિતેશ વોરા પાસે રૂ.૪.૯૧ લાખની કિંમતની કાર અને રૂ.૫ લાખનાં સોનાનાં દાગીના પણ છે. જ્યારે વારસાગત રૂ.૧૫ કરોડની મિલક્ત છે. શાપર વિસ્તારમાં ૪૫૦૦ ચો.મી.નો અંદાજે રૂ. ૧.૫૦ કરોડનો પ્લોટ પણ છે. જ્યારે રાજકોટ શહેરમાં રૂ.૮૦ લાખની કિંમતનાં જમીનનાં બે પ્લોટ પણ છે. રૂ.૩ કરોડની લોન પૈકી રૂ.૧૧.૭૭ લાખનું ચૂકવણું બાકી છે. જ્યારે હાથ ઉપર હાલ રૂ.૪૪ લાખની રોકડ પણ છે.