ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી ૪૦ રૂપિયા માટે કિશોરીની હત્યા કરાઇ

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં ૪૦ રૂપિયા માટે કિશોરીની હત્યાનો મામલો સામે આવ્યો છે. તેના સાથીદારો પર હત્યાનો આરોપ છે. પોલીસ ફરિયાદ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવાની વાત કરી રહી છે.

મળતી માહિતી મુજબ, ગઢ કોતવાલી વિસ્તારના સરુરપુર ગામમાં રહેતા મેહર આલમને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. તે મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. મેહર આલમના ૧૩ વર્ષના પુત્ર આકિબે થોડા દિવસો પહેલા તેના ગામમાં રહેતા એક કિશોરને ૪૦ રૂપિયા ઉછીના આપ્યા હતા, જે તેને પરત મળ્યા ન હતા. પૈસા ન મળતાં રવિવારે સાંજે આકીબે અન્ય કિશોરનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને તે લઈને તેની માસીના ઘરે ગયો હતો. ત્યારે પાછળથી અન્ય એક કિશોર પણ ત્યાં પહોંચ્યો હતો. જ્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આકિબની માસીએ કિશોરને મોબાઈલ પાછો આપી દીધો હતો.

થોડા સમય પછી, આકિબ ઘરની પાછળ બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો. આકિબના મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં અફરા-તફરી મચી ગઈ હતી. પરિવારજનોનો આરોપ છે કે પૈસાની માંગણીના વિવાદમાં રવિવારે રાત્રે તેમના પુત્રને માર મારવામાં આવ્યો હતો. તેઓ તરત જ તેને ગામના ખાનગી ડોક્ટર પાસે લઈ ગયા. જ્યાંથી ગંભીર હાલત જોતા તેને હાપુડ રીફર કરવામાં આવ્યો હતો. હાપુડમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ અંગે સીઓ આશુતોષ શિવમે જણાવ્યું હતું કે મૃતક કિશોરના મૃતદેહને કબજે લેવામાં આવ્યો છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ફરિયાદ મળતાં જ કાર્યવાહી કરવામાં આવશે.