લોક્સભામાં ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીની માંગ, સુપ્રીમ કોર્ટ અરજી પર સુનાવણી કરવા તૈયાર

સુપ્રીમ કોર્ટ લોક્સભામાં ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. આ મામલામાં ૨૨ જુલાઈએ સુનાવણી થવાની છે. આને લગતા મામલામાં સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી ૨૦૨૩માં નોટિસ જારી કરીને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો, પરંતુ હજુ સુધી જવાબ દાખલ ન થવાને કારણે કેસની સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરર્જીક્તાના વકીલે કહ્યું કે, ’આ મામલે સરકારે જણાવવું જોઈએ કે લોક્સભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ હજુ પણ કેમ ખાલી છે? આ માટે હજુ સુધી ચૂંટણી કેમ નથી થઈ?

ગયા વર્ષે દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે લોક્સભાના ૪ વર્ષ પછી પણ કોઈ સભ્ય લોક્સભાના ડેપ્યુટી સ્પીકર પદ માટે ચૂંટાયા નથી, જ્યારે બંધારણની કલમ ૩ સ્પષ્ટપણે ૯૩ જણાવે છે કે લોક્સભામાં સ્પીકર ઉપરાંત ડેપ્યુટી સ્પીકર પણ હશે.

આ અરજી શારિક અહેમદ વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન, અરજદાર વતી કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ઝારખંડની વિધાનસભાઓમાં ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી છે, જે કલમ ૧૭૮નું ઉલ્લંઘન છે.