દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સંસદની સુરક્ષામાં ગેરરીતિના કેસમાં સોમવારે કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. હવે આ કેસના આરોપીઓને ૨ ઓગસ્ટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સુનાવણી હાથ ધરાશે. આ મામલામાં દિલ્હીના રાજ્યપાલ વીકે સક્સેનાએ તમામ આરોપીઓ સામે યુએપીએ હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. હવે પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
૭ જૂનના રોજ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ છ આરોપીઓ મનોરંજન ડી, લલિત ઝા, અમોલ શિંદે, મહેશ કુમાવત, સાગર શર્મા અને નીલમ આઝાદ વિરુદ્ધ લગભગ ૧૦૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
આ મામલામાં લેટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ છ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. આ લોકો પર ૧૩ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ગૃહની કાર્યવાહી દરમિયાન સંસદ પર કથિત રીતે હુમલો કરવાનો આરોપ છે. એવો આરોપ છે કે મનોરંજન ડી, સાગર શર્મા, અમોલ ધનરાજ શિંદે, નીલમ, લલિત ઝા અને મહેશ કુમાવત નામના લોકો ગેરકાયદેસર રીતે સંસદમાં પ્રવેશ્યા હતા. તેમજ વર્તમાન સત્ર દરમિયાન લોક્સભામાં ધુમાડાના ડબ્બા ફેંકવામાં આવ્યા હતા. આ કેસમાં દિલ્હી પોલીસે લેફ્ટનન્ટ ગવર્નરને યુએપીએની કલમ ૧૬ અને ૧૮ હેઠળ તેમની સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. એલજીએ રેકોર્ડ પર પૂરતી સામગ્રી મળ્યા બાદ કાર્યવાહીની મંજૂરી આપી.
આ મંજૂરી આપતા પહેલા, સમીક્ષા સમિતિ (ડીઓપી, તીસ હજારી, દિલ્હી) એ ૩૦ મેના રોજ તપાસ એજન્સી દ્વારા એકત્રિત કરવામાં આવેલા સમગ્ર પુરાવાઓની પણ તપાસ કરી હતી. તપાસ દરમિયાન સંસદ હુમલા કેસમાં આરોપીઓની સંડોવણી મળી આવી હતી. આને ધ્યાનમાં રાખીને, સમીક્ષા સમિતિએ શોધી કાઢ્યું હતું કે યુએપીએ હેઠળ આરોપીઓ સામે પ્રથમ દૃષ્ટિએ કેસ કરવામાં આવે છે. લોક્સભામાં સુરક્ષા અધિકારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર દિલ્હી પોલીસે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં આઇપીસી અને યુએ(પી) એક્ટ હેઠળ FIR નોંધી છે. બાદમાં આ કેસની તપાસ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાંથી પીએસ સ્પેશિયલ સેલ, નવી દિલ્હીના કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટને ટ્રાન્સફર કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઉપરોક્ત છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તમામ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.