ગિલ ટી૨૦ શ્રેણીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે

ટીમ ઈન્ડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસ હવે પૂરો થઈ ગયો છે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે ૫ મેચની ટી૨૦ શ્રેણી રમાઈ હતી. શુભમન ગિલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ૪-૧થી જીત મેળવી હતી. આ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી અને તમામ મેચ જીતીને શ્રેણી પર કબજો કર્યો હતો. આ શ્રેણીમાં કેપ્ટન શુંભન ગીલે પણ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. આ સાથે ગિલે રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે.

શુભમન ગિલને પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આપવામાં આવી હતી. તેની કપ્તાનીમાં ગીલે ટીમ ઈન્ડિયા માટે પ્રથમ ટી૨૦ શ્રેણી જીતી હતી. આ સિરીઝમાં ગિલનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું. બેટિંગ કરતી વખતે, ગિલે આ શ્રેણીમાં ૧૭૦ રન બનાવ્યા, જે દરમિયાન તેણે બે અડધી સદી પણ ફટકારી. ગિલ ટી૨૦ શ્રેણીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.

ગિલ હવે રોહિત શર્મા કરતા પણ આગળ નીકળી ગયો છે. રોહિત શર્માએ કેપ્ટન તરીકે ૨૦૧૭માં શ્રીલંકા સામેની ્૨૦ સિરીઝમાં ૧૬૨ રન બનાવ્યા હતા. હવે ગિલથી આગળ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી છે. વર્ષ ૨૦૨૧માં કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે ટી૨૦ સીરીઝમાં ૨૩૧ રન બનાવ્યા હતા.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ ૧૪ જુલાઈના રોજ હરારેમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૬૭ રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી બેટિંગ કરતી વખતે સંજુ સેમસને સૌથી વધુ ૫૮ રનની ઈનિંગ રમી હતી. ૧૬૮ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યજમાન ઝિમ્બાબ્વેની ટીમ ૧૮.૩ ઓવરમાં ૧૨૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી બોલિંગ દરમિયાન મુકેશ કુમારે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી.