સુરતમાં મહિલાએ રિક્ષામાં જ બાળકને જન્મ આપ્યો. મહિલા પોતાના રૂટિન ચેક અપ માટે હોસ્પિટલ જઈ રહી હતી

સુરતમાં એક મહિલાએ રિક્ષામાં જ બાળકને જન્મ આપ્યો. મહિલા પોતાના રૂટિન ચેક અપ માટે હોસ્પિટલ જઈ રહી હતી. ત્યારે રીક્ષામાં જ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી. હોસ્પિટલ પંહોચે તે પહેલા જ બાળકનો રિક્ષામાં જન્મ થયો.

પ્રાપ્ત વિગત મુજબ સુરત શહેરની એક મહિલા સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિના રૂટિન ચેક અપ માટે જતી હતી. શહેરમાં હજીરાના કવાસ પાટિયા વિસ્તારમાં રહેતી રમીના દેવી પોતાના પતિ સાથે સિવિલ હોસ્પિટલમાં ચેક અપ કરાવા રીક્ષામાં નીકળી હતી. દરમ્યાન રીક્ષામાં જ રમીના દેવી નામની મહિલાની પ્રસૂતિનો દુ:ખાવો ઉપડ્યો. હોસ્પિટલ દૂર હતી અને પ્રસૂતિ કરાવવી જરૂરી હતી. દુખાવો વધી જતા રિક્ષા ચાલકે અધવચ્ચે રસ્તામાં જ રિક્ષા ઉભી રાખી અને મહિલાએ રિક્ષામાં જ બાળકને જન્મ આપ્યો. આ સમયમાં મહિલાની સાથે તેનો પતિ ગોરખસિંહ સાથે હતો એટલે સ્થિતિ પર કાબુ મેળવ્યો. જો કે રિક્ષામાં બાળકનો જન્મ થયા બાદ તેઓ તુરંત જ હોસ્પિટલ પંહોચ્યા.

સિવિલ હોસ્પિટલ સ્ટાફને ઘટનાની જાણ થતા જ તેમણે રમીના દેવીને તાત્કાલિક ટ્રોમ સેન્ટરમાં દાખલ કર્યો. અને બાળક સહિત માતાની પૂર્ણ સારવાર કરી. હાલમાં બાળક અને માતા બંનેની હાલત તંદુરસ્ત છે. રમીના દેવીના પતિ ગોરખસિંહે જણાવ્યું કે તેમની પત્નીએ રિક્ષામાં પુત્રને જન્મ આપ્યો. આ તેમનું ત્રીજું સંતાન છે. અગાઉના સંતાનમાં તેમને બે દિકરીઓ છે. હાલમાં માતા અને બાળક બંને સ્વસ્થ છે.