ધોરાજી,
ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં ઉપર નીચેના લેટમાં રહેતા મુસ્લિમ તરૂણી અને યુવકની આંખ મળી ગઇ હતી અને બન્ને વચ્ચે કૂણી લાગણી બંધાતા આ અંગેની જાણ તરૂણીના ભાઇને થઇ જતાં ભાઇના મન પર કાળ સવાર થયો હતો અને પોતાના ઘરમાં જ બહેનના ડાબા પડખામાં છરીના ત્રણ ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી. હુમલાના પગલે તરૂણી લોહીના ખાબોચિયાંમાં ફસડાઇ પડી હતી અને માતા પિતાએ તેને તાબડતોબ સિવિલમાં ખસેડી હતી પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. બીજી તરફ બહેનની હત્યા કરી ભાઇ નાસી છૂટ્યો હતો. તબીબોએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ધસી ગયો હતો તપાસ હાથ ધરી હતી તેમજ ભાઇને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં લેટમાં રહેતા રઝાકભાઇ સપરિયાણીની ૧૪ વર્ષની દીકરી યાસ્મીન ઉર્ફે રોજીનાને તેમના જ એપાર્ટમેન્ટમાં ઉપરના લેટમાં રહેતા ફૈજાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આ જાણ યાસ્મીનના ભાઇ ફીરોઝ (ઉ.વ.૨૧)ને થઇ હતી અને તેને બહેનનો ફૈજાન સાથેનો સંબંધ કોઇ કાળે મંજૂર ન હતો. આથી બન્ને ભાઇ બહેન વચ્ચે આ મુદે ક્યારેક ટપાટપી થઇ જતી અને માતા પિતા બન્નેને સમજાવી દેતાં પરંતુ મંગળવારે ફીરોઝના મન પર કાળ સવાર થયો હતો અને તેણે યાસ્મીનને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ડાબા પડખામાં થયેલા વાર જીવલેણ નીવડ્યા હતા અને યાસ્મીન ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી. આ જોઇ માતા પિતા હતપ્રભ બની ગયા હતા અને નજીકમાં રહેતા સગાંની મદદ લઇ યાસ્મીનને લઇ સિવિલ પહોંચ્યા હતા, જ્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં ફીરોઝની ધરપકડ કરી હતી.