સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસના લીધે થયેલા મોતના લીધે ચકચાર મચી છે ત્યારે રાજ્યના આરોગ્યપ્રધાન ૠષિકેશ પટેલે હૈયાધારણ આપતા જણાવ્યું હતું કે ચાંદીપુરા કોઇ નવો વાયરસ નથી વર્ષ ૧૯૬૫માં પ્રથમ કેસ નોંધાયો હતો. આ સામાન્ય રીતે વરસાદી ૠતુમાં સામાન્યત: જોવા મળતો રોગ છે.
આ રોગ વેકટર -અસરગ્રસ્ત સેન્ડ ફલાયના (રેત માંખ) કરડવાથી થાય છે ૯ મહીનાથી ૧૪ વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે. આ વિસ્તારના બાળ દર્દીઓમાં હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું
ગુજરાતમાં આ રોગના અત્યારસુધીમાં ૧૨ કેસ જોવા મળ્યા, તેમાથી ૬ દર્દીઓ સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસના પરીક્ષણ માટે પુના સેમ્પલ મોકલવામાં આવે છે, જેનું પરિણામ ૧૨ થી ૧૫ દિવસે આવે છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા શંકાસ્પદ ૬ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. પુના ખાતે થી સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચોક્કસપણે કહી શકાશે કે આ દર્દીઓ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હતા કે નહીં
આરોગ્ય મંત્રીશ્રીની સૂચના થી રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સધન સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે. અત્યારસુધીમાં કુલ ૪,૪૮૭ ઘરોમાં કુલ ૧૮,૬૪૬ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે.. સેન્ડલાય કંટ્રોલ માટે કુલ ૨૦૯૩ ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે.
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસે કહેર વર્તાવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના લીધે ૪ બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચાંદીપુરા વાઇરસના આતંકને જોતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને મૃતક બાળકોના રિપોર્ટ તપાસ માટે પૂના મોકલવામાં આવ્યા છે.
સાબરકાંઠામાં આરોગ્યની ટીમે સર્વે કામગીરી હાથ ધરી દીધી છે. સર્વે દરમિયાન અરવલ્લીમાં આ શંકાસ્પદ વાઇરસના લીધે ૨ દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, તો બીજી તરફ ભિલોડાના કંથારિયા વિસ્તારમાં આરોગ્ય ટીમે દ્વારા કરવામાં આવેલા સર્વેમાં હાલમાં ૨ દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.