વિદેશ સચિવ વિનય ક્વાત્રા નિવૃત્ત થતા વિક્રમ મિસ્ત્રી ચાર્જ સંભાળશે

વિદેશ સચિવ વિનય ક્વાત્રા રવિવારે નિવૃત્ત થયા. હવે તેમના સ્થાને વિક્રમ મિસ્ત્રી સોમવારે ચાર્જ સંભાળશે. હાલમાં તેઓ રાષ્ટ્રીય નાયબ સુરક્ષા સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. દરમિયાન, વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં તેમના સમર્પણ અને યોગદાન માટે આઉટગોઇંગ વિદેશ સચિવ વિનય ક્વાત્રાની પ્રશંસા કરી હતી.

જયશંકરે કહ્યું, “તેમણે અમારી ઘણી મહત્ત્વની વ્યૂહરચના ઘડવામાં અને તેને અમલમાં મૂકવામાં મદદ કરી છે. તેની ભાવિ ઇનિંગ્સ માટે તેમને શુભેચ્છાઓ.” જો કે, ક્વાત્રા હવે અમેરિકામાં ભારતના આગામી રાજદૂત બનવા માટે સૌથી આગળ છે. જાન્યુઆરીમાં તરનજીત સંધુની નિવૃત્તિ બાદ આ પદ ખાલી છે.

ક્વાત્રા ૧૯૮૮માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા અને તેમની સેવાના શરૂઆતના વર્ષોમાં જિનીવામાં ભારતના કાયમી મિશનમાં સેવા આપી હતી. ક્વાત્રાએ ૧ મે, ૨૦૨૨ના રોજ વિદેશ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. વિદેશ સચિવ તરીકે, ક્વાત્રાએ ઘણા મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય મુદ્દાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમાં યુક્રેન પર રશિયન આક્રમણ, ગાઝામાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ અને પૂર્વી લદ્દાખમાં એલએસી સાથે ચીન સાથેના તણાવને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો સમાવેશ થાય છે.