મોટા વરાછામાં યુવકને ચપ્પુ મારી ૨.૭૦ લાખ લૂંટી ૨ શખ્સો થયા ફરાર

સુરત,

મોટા વરાછાથી કોસાડ તરફ જવાના રોડ પર ધોળે દિવસે બાઇક પર આવેલા બે બદમાશોએ ચપ્પુથી ઈજા કરી યુવકના ખિસ્સામાંથી ૨.૭૦ લાખની રોકડની લૂંટ કરી ભાગી ગયા હતા. બદમાશોએ યુવકની બાઇકની ચાવી પણ ફેંકી દીધી હતી. અમરોલીની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા અને પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા ૩૭ વર્ષીય ગૌરાંગ મુકેશ ટીટીયા (મૂળ, પીખોર, જિ.જુનાગઢ) ૨૧મી નવેમ્બરે સાંજે ઉત્રાણ સિલ્વર બિઝનેસ હબમાં શ્રીજી સેઇફ ડિપોઝીટ વોલ્ટમાં લોકરમાંથી રૂપિયા ૨.૭૦ લાખની રોકડ રકમ કાઢી ઉત્રાણ આદિત્ય કોમ્પલેક્સમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં ભરવા ગયા હતા. જોકે, નિયત ક્રમ મુજબ બપોરના સમયગાળામાં બેંક બંધ થઈ જતા યુવકે પ્લાસ્ટીકની થેલીમાં રૂપિયા ૨.૭૦ લાખની રકમ ખિસ્સામાં મુકી ત્યાંથી બાઇક પર ઘરે જવા રવાના થયા હતા. તેવામાં રસ્તામાં બે બદમાશોએ પહેલા પાછળથી તેઓની બાઇકને ટક્કર મારી બાદમાં ગાળાગાળી કરી બાઇકની ચાવી ફેકી ચપ્પુ જેવા ધારદાર હથિયારથી યુવકને હાથમાં ઈજા કરી ખિસ્સામાંથી ૨.૭૦ લાખની રકમ લૂંટ કરી ભાગી ગયા હતા. આ ઘટના મોટા વરાછાથી કોસાડ તરફ જતા વેણીનાથ ગરનાળા તરફ જતા અવાવરૂ રસ્તા પર સુરતી આમલેટની દુકાનથી થોડા અંતરે જ બની હતી. હાલમાં ઉત્રાણ પોલીસે લૂંટારૂ ટોળકીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. લૂંટારૂઓ જે બાઇક પર આવ્યા તે નંબર વગરની હતી. યુવકની કોઈકે રેકી કરી હોઈ શકે છે.