લીમખેડા-મેથાણ એસ.ટી.બસ બંધ થતાં મુસાફરોને હાલાકી

9મી ઓગસ્ટ-2023ના રોજ વિશ્વ આદિવાસી દિને કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર, રાજયકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ તથા સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષ ભાભોર વગેરે દ્વારા લીમખેડાથી મેથાણ બસને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાયો હતો. જે બસ થોડો સમય માટે ચાલ્યા પછી બંધ થઈ જતાં મેથાણથી સીંગવડ તથા લીમખેડા તાલુકાના કામે માટે જતા અરજદારો તથા સીંગવડ કોલેજ આવતા વિધાર્થીઓને આ બસની સુવિધા સારી ઉભી થઈ હતી. પરંતુ આ મેથાણથી લીમખેડા જતી બસ બંધ થતા મેથાણ ગામના લોકોને મેથાણ ધાટી સુધી ચાલતા આવીને ખાનગી વાહનનો ઉપયોગ કરવા મજબુર બનવાનો વારો આવ્યો છે.

સરકાર દ્વારા છેક છેવાડાના માનવી સુધી આ બસોની સુવિધા ઉભી કરાયા પછી બંધ કરી દેવાતા ત્યાંના લોકોની હાલત કફોડી બની છે. સીંગવડના મેથાણ ગામમાં અરજદારો પોલીસ સ્ટેશન તથા તાલુકાના કામે આવવુ પડે છે. જે મેથાણથી સીંગવડ આવવા જે બસ ચાલુ કરાઈ હતી તે ધણી ફાયદાકારક હતી પરંતુ સરકારી તંત્ર દ્વારા આવા ગામડાની બસો પર વધારે ઘ્યાન નહિ આપીને આવી બસો બંધ કરી દેતા હોય છે. જેના લીધે મુસાફરોને અટવાવવનો વારો આવ્યો છે. આ માટે મેથાણ બસ માટે સ્થાનિક નેતાઓ તથા એસ.ટી.વિભાગના કર્મચારીઓ ઘ્યાન આપીને બસને ફરીથી ચાલુ કરાય તેવી માંગ ઉઠવા પામી છે.