કાલોલ,
કાલોલ તાલુકાના નાંદરખા ગામની સીમમાં આવેલા એક ખેડુતના કુવામાં દિપડો પડી જતાં વનવિભાગની ટીમ દ્વારા રેસ્કયુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નાંદરખા ગામના હનુમાનજી મંંદિર વિસ્તારના સીમાડામાં આવેલા એક ખેડુતોના કુવામાંથી અંદર પડેલા કોઈ જંગલી પશુના બરાડવાનો અવાજ આવતા કુવામાં જોતા અંદર એક દિપડો હોવાની જાણ થઈ હતી. કુવામાં પડી ગયેલા દિપડાને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. નાંદરખા ગામની સીમને જોડતુ જંગલ છે. જેથી કુવામાં દિપડો પડી ગયો હોવાની ધટના અંગે ગ્રામજનો વેજલપુર સ્થિત વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ધટના સ્થળે આવી પહોંચી હતી. જયાં વનવિભાગની ટીમ દ્વારા કુવાની ઉંડાઈનુ અને દિપડાની સ્થિતિ અંગે અવલોકન કરી જરૂરી સાધન સામગ્રી સાથે કુવામાં પાંજરૂ ઉતારીને દિપડાને સલામત રીતે બહાર કાઢવાની બચાવ કામગીરી હાથ ધરી હતી. દિપડાને સલામત રીતે બહાર કાઢવાના સમગ્ર રેસ્કયુ ઓપરેશન દરમિયાન વનવિભાગની ટીમ દ્વારા ત્રણ/ચાર કલાકની ભારે ભારે જહેમતભરી રીતે દિપડાને પાંજરામાં પુરવાની કામગીરી હાથ ધરી હતી. તેમ છતાં કુવામાં પાણી હોવાથી અંદરના ભાગમાં આવેલા ખડકની ધાર પર દિપડો ચઢી જતાં પાંજરામાં આવી શકયો ન હતો. જેથી બચાવ કામગીરી સાંજ પડવા સુધી ચાલી હતી.