બાલાસિનોર,
બાલાસિનોર તાલુકામાં ખુબ જ વિવાદાસ્પદ બનેલ જમીયતપુરા ડમ્પિંગ સાઈટનો પ્રશ્ર્ન ઉકળતા ચરૂ સમાન બની ગયો છે. આ સાઈટ બંધ કરાવવાની માંગ સાથે ભુતકાળમાં 29 ગામના લોકોએ ધરણા પ્રદર્શન કર્યા હતા. પરંતુ મોટા માથાના આશિર્વાદ હેઠળ ચાલતી આ સાઈટ હજુપણ કાર્યરત છે. જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. જે ચુંટણીમાં પડઘાય તેવી શકયતાઓ છે.
બાલાસિનોરના જમીયતપુરા સ્થિત કેમિકલ ડમ્પ કરવાની કંપનીનો સખ્ત વિરોધ બાદ પણ આજની તારીખે તંત્ર અને સરકારના આશિર્વાદથી આ સાઈટ ચાલુ છે. આ સાઈટ બંધ કરાવવા માટે અનેક આંદોલનો થયા, 500 ઉપરાંત આવેદનપત્રો અપાયા, રેલીઓ યોજાઇ, આમરણાંત ઉપવાસો થયા પરંતુ આજદિન સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જયારે વિધાનસભાની ચુંટણી માટે દરેક પક્ષના ઉમેદવારો વાયદા/વચનો આપી રહ્યા છે. ત્યારે 29 પંચાયત અને બાલાસિનોર નગરને સીધી ગંભીર અસર કરતી સાઈટ મામલે કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.