૨૦૨૦થી નવી શિક્ષણ નીતિ લાગુ થઈ છે, તેમાં સૈદ્ધાંતિક રીતે ઘણું સારું હશે, પણ વ્યવહારમાં તો તમામ સ્તરે વિવાદ જ થાય છે. પરીક્ષા જ શિક્ષણ હોય, તેમ આખું વર્ષ ઠેર ઠેર પરીક્ષાઓ જ ચાલ્યા કરે છે ને એમ લાગે છે.માટે જ તો ભણવા કે ભણાવવાને નામે ખાસ કૈં કરવાનું થાય એવો સમય જ બચતો નથી.
પ્રાઈમરીથી માંડીને પીએચ.ડી. સુધી પરીક્ષા જ સર્વોપરી બની ગઈ છે. ભણતું કોઈ નથી, એવું લાગે છે પણ પાસ બધાં જ થાય છે. ખરી ચેલેન્જ તો બોર્ડની પરીક્ષાઓ પાસ કરો પછી શરૃ થાય છે. મેડિકલમાં કે અન્ય કોઈ વિદ્યાશાખામાં પ્રવેશ જોઈતો હોય તો એન્ટ્રન્સ એક્ઝામ આપવાની થાય છે. એમાં પાસ થાવ તો જ મેડિકલમાં પ્રવેશ મળે. એ સિવાય અન્ય વિદ્યાશાખાની પરીક્ષાઓ પાસ કરો કે નોકરી માટેની પરીક્ષાઓ આપવાની. એ પાસ થાવ પછી કામચલાઉ ધોરણે નોકરી મળે. શિક્ષક થવું હોય તો વિદ્યાસહાયકની ફિક્સ પગારની કોન્ટ્રાક્ટવાળી નોકરી મળે ને કોન્ટ્રાક્ટ પૂરો થાય કે વળી અરજી કરવાની ને પછી નોકરી મળે કે ના પણ મળે. ન પગાર વધારો, ન પેન્શન કે ન નોકરીના કોઈ લાભો. જેમાં મહેનત ને મગજ ને મનીની જરૃર પડે છે તે મેડિકલમાં પ્રવેશ મેળવવા અંગે. એક વાર એમાં પ્રવેશ મળ્યો કે પછીનું તો ’ફોડી’ લેવાય છે ને મની હોય તો બધું ’મેનેજ’ પણ થઈ જાય છે એવી વાતના પુરાવા ઉભા થઈ રહ્યા છે.
હવે મેડિકલમાં એડમિશન લેવું હોય તો નીટ (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડર ગ્રેજ્યુએટ)ની એક્ઝામનું આયોજન ૨૦૧૭થી એનટીએ -નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરે છે ને તે મેડિકલની ખાનગી અને સરકારી સંસ્થાઓ માટેની પરીક્ષાઓ લે છે.
એક સમયે બોર્ડની પરીક્ષાઓને આધારે પ્રવેશ અપાતો હતો ને એ રીતે જે ડોકટરો કે એન્જિનિયરો થયા તે ફાલતુ હતા એવું કહી શકાય એમ નથી અને આટલી ખર્ચાળ રીતે લેવાતી નીટની પરીક્ષાઓ વિશ્ર્વસનીય જ છે એવું આવા વિવાદો પરથી તો લાગતું નથી. વળી અમુક નિશાનીઓ કરાવીને માર્કસ આપી દેવામાં વિદ્યાર્થીઓની વર્ણનશક્તિ કે સમજશક્તિનો અંદાજ મળતો નથી. કોઈ પણ ખાલી જગ્યાઓ ભરીને કે ભરાવીને આવી પરીક્ષામાં પાસ થઈ જવાની આ રીત જ ફેર વિચારણા માંગે છે. સાચું તો એ છે કે તમામ સ્તરે એન્ટ્રન્સ એક્ઝામ્સ બંધ કરી દેવા વિચારણા થવી જોઈએ. જ્યાં પણ પ્રવેશની જરૃર પડે ત્યાં બોર્ડની છેલ્લી પરીક્ષાનું પરિણામ જ પ્રમાણભૂત ગણાવું જોઈએ. એન્ટ્રન્સ એક્ઝામ્સ સમયનો બગાડ છે અને વાલીઓને ભારે દબાણ હેઠળ રાખવાનો કારસો છે. આટલે મોટે પાયે થતો નીટની પરીક્ષાનો વેપલો એનો જીવંત પુરાવો છે. બહુ પરીક્ષાઓ લેવાથી જ વિદ્યાર્થી હોંશિયાર પુરવાર થાય એવું ક્યાંય સાબિત થયું નથી. વાત તો એવી છે કે આવી પરીક્ષાથી વિદ્યાથની ગુણવત્તા પુરવાર થતી હશે કે કેમ તે નથી ખબર, પણ પરીક્ષા લેનાર સંસ્થાઓની હોજરી તો ભરાય જ છે.
આ વખતે એનટીએ નીટની એક્ઝામ લેવામાં ધરાર નિષ્ફળ નીવડી છે ને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ઝજ્જર કેન્દ્રમાંથી એક સાથે છ વિદ્યાર્થીઓ ૭૨૦માંથી ૭૨૦ માર્કસ લાવવામાં સફળ થયા. આ અંગે ફરિયાદ થતાં ૧૫૬૩ વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાનો ચુકાદો સુપ્રીમે આપ્યો છે ને જે ફરી પરીક્ષા આપવા તૈયાર ન હોય તેમણે પરિણામ ગ્રેસ માર્કસ વગરનું સ્વીકારવાનું રહેશે એવી ચેતવણી પણ અપાઈ છે. નીટની ૨૦૨૪ની પરીક્ષાએ તેની વિશ્ર્વસનીયતા ગુમાવી દીધી છે. પરીક્ષાનાં પેપરો લીક થયા છે ને પોલીસે તે સંદર્ભે કેટલાકની ધરપકડ કરી છે. આ મામલે સીબીઆઇ કે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ થાય એવી માંગ ઊઠી છે ને બિહારમાં તો પરીક્ષા જ રદ કરવાની માંગ છે. પટના, ગોધરા અને ઝજજરની જે ઘટનાઓ સામે આવી છે તેણે એનટીએ પરનો ભરોસો ખતમ કરી દીધો છે.