
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી અને કોચ અંશુમન ગાયકવાડને નાણાકીય સહાયની જાહેરાત કરી છે. ગાયકવાડ બ્લડ કેન્સરથી પીડિત છે અને લંડનની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. બીસીસીઆઈના સચિવ જય શાહે એપેક્સ કાઉન્સિલને સૂચના આપતાં ગાયકવાડને ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાનું કહ્યું છે.
આથક મદદ ઉપરાંત જય શાહે ગાયકવાડના પરિવારનો સંપર્ક કર્યો અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી. સાથે જ બીસીસીઆઇ સેક્રેટરીએ પણ કોઈપણ પ્રકારની મદદની ઓફર કરી હતી. બીસીસીઆઈએ ખાતરી આપી હતી કે તેઓ ગાયકવાડની સ્થિતિ અને તેમની સારવાર કેવી રીતે ચાલી રહી છે તેના પર નજર રાખી રહ્યા છે. બોર્ડે આ પડકારજનક સમયમાં ભૂતપૂર્વ ખેલાડીના પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.
૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ અને સંદીપ પાટીલ જેવા ભૂતપૂર્વ ક્રિકેટરો ગાયકવાડની મદદ માટે આગળ આવ્યા હતા અને બીસીસીઆઇને ગાયકવાડને મદદ કરવા અપીલ કરી હતી. કપિલે ખુલાસો કર્યો હતો કે તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ મોહિન્દર અમરનાથ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, મદન લાલ, રવિ શાી અને કીત આઝાદ ગાયકવાડની સારવાર માટે ભંડોળ એકત્ર કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.
ગાયકવાડની ટેસ્ટ કારકિર્દી ૧૯૭૫ થી ૧૯૮૭ સુધી ચાલી હતી અને તેમણે ભારત માટે ૪૦ ટેસ્ટ અને ૧૫ વનડે રમી હતી. ગાયકવાડ ત્યારબાદ ૧૯૯૭ થી ૧૯૯૯ અને ફરી ૨૦૦૦માં ભારતીય ટીમના કોચ બન્યા. જ્યારે અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે એક ઇનિંગમાં ૧૦ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી ત્યારે ગાયકવાડ ભારતીય ટીમના કોચ હતા. ગાયકવાડના નેતૃત્વમાં, ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે શ્રેણી ૨-૧થી જીતી હતી, જ્યારે ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી ડ્રો રહી હતી.