શહેરાના ભદ્રાલા ગામના સ્મશાન પાસે પસાર થતા રસ્તા ઉપર એક યુવાન ને માર મારવાની ઘટના બનવા પામી હતી. પોલીસે સ્થાનિક ગામના ત્રણ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જોકે, નિવૃત્ત પીએસઆઇ એ આ બનેલ ઘટનામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાનું તેઓને લાગતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે.
શહેરા નગરમાં રામજી મંદિરની સામે બજરંગ અમૂલ પાર્લરની દુકાન ચલાવતા સંજય અખમસિંહ મકવાણા તેઓ દુકાન બંધ કરીને પોતાના ઘરે મોટર સાયકલ લઈને ભદ્રાલા ગામ ખાતે જવા નીકળ્યા હતા. આ ગામના સ્મશાન સામેના રસ્તા ઉપર મહેશ નરવત પગી, સર્જન ખાંટ અને દલપત પગી રિક્ષા લઈને ઉભા હતા. ત્યારે સંજયને બૂમ પાડીને ઊભો રખાવીને તું બહુ પૈસા વાળો થઈ ગયો છું અને પીએસઆઇનો છોકરો છું, તો શું થઈ ગયું તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો.
મહેશ પગી અને અન્ય બે વ્યક્તિઓએ ભેગા મળીને સંજયને માં-બેન સામેની ગાળો બોલીને માર મારવા સાથે સર્જન સોમાભાઈ ખાંટ એ હાથમાં પહેરેલ ધાતુનું કડુ સંજય મકવાણાને માથાના કપાળના ઉપરના ભાગે મારી દીધેલ તેથી લોહી નીકળવા લાગેલ હતું. જોકે, સંજય મકવાણાએ આ ત્રણ યુવાનોના વધુ મારથી બચવા માટે બૂમાબૂમ કરતા આજુબાજુ માંથી ભુપેન્દ્રભાઈ સહિતના વ્યક્તિઓ આવી જતા તેને છોડાવી લીધો હતો. આ બનેલ ઘટનાની જાણ સંજય એ તેના પિતાને કરવા સાથે તેને નજીકના દવાખાનામાં સારવાર કરાવી હતી.
પોલીસ મથક ખાતે આ ઉપરોક્ત બનાવને લઈને સંજય અખમસિંહ મકવાણા તેના પિતા સાથે પોલીસ મથક ખાતે પહોંચી જઈને સમગ્ર બનાવની હકીકત પોલીસને જણાવતા પોલીસે બનાવની ગંભીરતા લઈને ભદ્રાલા ગામના મહેશ પગી, સર્જન ખાંટ અને દલપત પગીના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધી હતી. નિવૃત્ત પીએસઆઇ એ આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહિ આવી હોવાનું લાગતા ઉચ્ચકક્ષાએ રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી છે. જોકે, આ ભદ્રાલા ગામ ના મુખ્ય સ્મશાન પાસે રાત્રી પડતાની સાથે અમુક લોકો દારૂની મેહફીલ માણતા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહયું હોય ત્યારે પોલીસ દ્વારા આ બાબતે પણ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે.