
મહારાષ્ટ્રના ખેડૂતોને પણ નિર્મલા સીતારમણના બજેટ ૨૦૨૪ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને શેરડી, કપાસ અને સોયાબીનના ખેડૂતો. મહારાષ્ટ્રમાં આ ત્રણની ખેતી કરતા ખેડૂતોની સંખ્યા લગભગ ૫૬ લાખ છે. ચૂંટણીનું વર્ષ હોવાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ પાકની ખેતી કરનારા ખેડૂતોને નાણામંત્રી તરફથી ચોક્કસ ભેટ મળશે.
મરાઠવાડી અને વિદર્ભ એ ખેડૂતોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારો છે, જ્યાં તાજેતરની લોક્સભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને નુક્સાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મુદ્દાઓને દૂર કરવા માટે સરકાર દ્વારા બજેટમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રમાં સોયાબીન મુખ્ય ખરીફ પાક છે અને રાજ્યમાં ૪૦ લાખથી વધુ ખેડૂતો તેની ખેતી કરે છે. મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૪૦ લાખ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર કરવામાં આવે છે. આ ખેડૂતોને ચૂંટણી વર્ષમાં કેન્દ્રીય બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.સોયાબીન ખેડૂતોની સૌથી મોટી માંગ એમએસપીની છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે તેમના પાકને લઘુત્તમ ટેકાના ભાવે ગેરંટી સાથે ખરીદવો જોઈએ. આ વર્ષે મહારાષ્ટ્રમાં સોયાબીનનો લઘુત્તમ ટેકાના ભાવ ૪૬૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જેનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો.
ખેડૂતોએ જણાવ્યું હતું કે આ ભાવથી ખર્ચ પણ પૂરો થતો નથી. ખેડૂતોનું કહેવું છે કે ખર્ચને જોતા સોયાબીનનો ભાવ ઓછામાં ઓછો ૬ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોવો જોઈએ. મહારાષ્ટ્રમાં આશરે ૭ લાખ કપાસના ખેડૂતો છે અને દેશમાં ઉત્પાદિત કુલ કપાસમાં મહારાષ્ટ્રનો હિસ્સો ૨૭.૧૦ ટકા છે. મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્યમાં ૪૨.૩૪ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું. ગુજરાત અને મયપ્રદેશની સરહદની આસપાસ મહારાષ્ટ્રમાં તેની પુષ્કળ પ્રમાણમાં ખેતી થાય છે.
કપાસના ખેડૂતોને આ વખતના બજેટમાંથી બે મોટી અપેક્ષાઓ છે. ૧. ઓછા ભાવે બિયારણ સરળતાથી મળવું જોઈએ ૨. પાકના ભાવ વાજબી હોવા જોઈએ અને ખરીદીની ગેરંટી હોવી જોઈએ. ઘણા જિલ્લાઓમાં સહકારી દુકાનો આગળ લાંબી ક્તારો લાગી હતી. તેના બિયારણ મેળવવા માટે ખેડૂતોને ઘણી મહેનત કરવી પડી હતી.
તે જ સમયે, પાક તૈયાર થયા પછી તેના ભાવ પણ મોટી સમસ્યા છે. કપાસનો સરેરાશ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૬ હજાર છે. મહારાષ્ટ્રના ખેડૂતોનું કહેવું છે કે તેની કિંમત ઓછામાં ઓછી ૮ હજાર રૂપિયાની આસપાસ હોવી જોઈએ, તો જ ખેતીમાં કોઈ નુક્સાન નહીં થાય.
મહારાષ્ટ્રમાં શેરડીની ખેતી મોટા પાયે થાય છે. અહીંનું મરાઠવાડા શેરડીની ખેતી માટે પ્રખ્યાત છે. મહારાષ્ટ્રના ૧.૫૨ કરોડ ખેડૂતોમાંથી ૬ ટકા એટલે કે લગભગ ૯ લાખ ખેડૂતો શેરડીની ખેતી કરે છે. ખાંડના ઉત્પાદન માટે શેરડીનો ઉપયોગ થાય છે. ભારતીય સુગર મિલ્સના જણાવ્યા અનુસાર આ વર્ષે શેરડીના પિલાણમાંથી ખાંડનું રેકોર્ડ ઉત્પાદન થયું છે.માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૧૩૨.૬ લાખ ટન ખાંડનું વિક્રમી ઉત્પાદન થયું છે, જ્યારે શેરડીનું પિલાણ હજુ પણ ચાલુ છે. શેરડીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર મોખરે છે.શેરડીના ખેડૂતોને આ વખતે સરકારના બજેટ પાસેથી બે અપેક્ષાઓ છે. પ્રથમ આશા ભાવ વધારવાની છે. હાલમાં દેશમાં ૩૪૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે શેરડીની ખરીદી થઈ રહી છે. આ અંગે ખેડૂતોએ દેખાવો કર્યા હતા.