વિધાનસભા ચુંંટણીમાં દાહોદ અલીરાજપુર પોલીસે 6 ચેક પોસ્ટો ઉપર 777 કેસો દાખલ કરાયા

દાહોદ,

દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસ તેમજ મધ્યપ્રદેશની અલીરાજપુરની પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારોમાં ચુંટણી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બેઠકો યોજવામાં આવી હતી. ત્યારે અલીરાજપુર પોલીસ દ્વારા દાહોદ જિલ્લાની 06 બોર્ડર વિસ્તારમાં ચેકપોસ્ટો ઉભી કરવામાં આવી છે. અલીરાજપુર પોલીસ અને દાહોદ પોલીસ દ્વારા અત્યાર સુધી 777 કેસો દાખલ કરવામાં આવ્યાં છે. જેમાં પોલીસે 80 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે17 વાહનો કબજે કરી પ્રોહીના બનાવમાં અત્યાર સુધી કુલ રૂા.1.40 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસે વોરંટ બજવણી, હથિયારો જમા કરવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વિગેરે જેવી કામગીરી કરવામાં આવી છે.

ગુજરાતની વિધાનસભાની ચુંટણી જાહેર થતાં દાહોદ જિલ્લામાં પણ ચુંટણીનો માહોલ ગરમાયો છે. તેવા સમયે દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ચુંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં સંમ્પન્ન થાય તેવા હેતુસર દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં સઘન કામગીરી કરી રહી છે. તેની સાથે સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશ પોલીસ સાથે બેઠકો પણ કરવામાં આવી હતી. ત્યારે મધ્યપ્રદેશની અલીરાજપુર પોલીસ દ્વારા પોતાના વિસ્તારના દાહોદ જિલ્લાની સરહદી વિસ્તારોમાં 06 ચેકપોસ્ટો ઉભી કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધી પોલીસે 81,07,162ના પ્રોહી જથ્થા સાથે 17 વાહનો કિંમત રૂા. 67,08,000 મળી કુલ રૂા.1.40 કરોડનો પ્રોહી મુદ્દામાલ સાથે વાહનો કબજે કર્યાં છે. 2014 વ્યક્તિઓ વિરૂધ્ધ વિવિધ ગુન્હાઓ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા 06 ચેકપોસ્ટો પર કુલ બે ટીમો બનાવવામાં આવી છે. જે ટીમ સતત ચોવીસે કલાક ચેકપોસ્ટ પર ફરજ બજાવે છે.35 વોરંટવાળા કેસ ગુજરાત પોલીસને સુપરત કરવામાં આવેલ છે. આર્મ એક્ટના કેસમાં કુલ 42 કેસ દાખલ કરવામાં આવ્યાં છે. 275 હથિયારો જમા કરવામાં આવ્યાં છે. 324 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આમ, દાહોદ જિલ્લાની પોલીસની સાથે સાથે મધ્યપ્રદેશની અલીરાજપુરની પોલીસ પણ ગુજરાત વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસને સાથ અને સહકાર આપી રહી છે.