અક્ષય કુમાર થયો કોરોનાથી સંક્રમિત ,‘સરફિરા’ના પ્રમોશન દરમિયાન ચેપ લાગ્યો હતો

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો ભાગ નહીં હોય. ખરેખર, ‘સરફિરા’ના પ્રમોશન દરમિયાન તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. હા, અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેણે પોતાને આઈસોલેટ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે, માત્ર અક્ષય કુમાર જ નહીં, ‘સરફિરા’ની ટીમના કેટલાક અન્ય લોકો પણ કોરોના પોઝિટિવ મળ્યા છે.

‘સરફિરા’ના પ્રોડક્શન હાઉસની નજીકના એક સૂત્રએ એચટી સિટીને આ માહિતી આપી છે. સૂત્રએ કહ્યું, “અક્ષય કુમાર તેની ફિલ્મ ‘સરફિરા’નું પ્રમોશન કરી રહ્યો હતો. પ્રમોશન સમયે તેમની તબિયત બગડવા લાગી હતી. પછી તેને માહિતી મળી કે પ્રમોશન ટીમના કેટલાક ક્રૂ મેમ્બર કોવિડ પોઝીટીવ મળી આવ્યા છે. આ માહિતી મળ્યા પછી, તેણે તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો અને શુક્રવારે સવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, “પોઝિટિવ ટેસ્ટને કારણે, અભિનેતા ન તો ‘સરાફિરા’ને પ્રમોટ કરશે અને ન તો અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપશે.” સૂત્રએ એ પણ કહ્યું કે અક્ષયે એક જવાબદાર વ્યક્તિ હોવાને કારણે તરત જ પોતાને અલગ કરી લીધો હતો અને હાલમાં તે ક્વોરેન્ટાઇનમાં છે.

જે ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારને કોરોનાનો ચેપ લાગ્યો હતો તે ફિલ્મ આજે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નામ ‘સરાફિરા’ છે અને આ ફિલ્મમાં અક્ષય સાથે રાધિકા મદન છે.