ગંભીરના કોચ બનતાની સાથે જ કેકેઆરના ૩ ખેલાડીઓની ટીમમાં વાપસી થશે !

ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસે જવાની છે. ભારતને અહીં ત્રણ મેચની ટી ૨૦ અને વનડે સિરીઝ રમવાની છે. આ પ્રવાસ સાથે ટીમ ઈન્ડિયામાં ગૌતમ ગંભીરનો યુગ શરૂ થશે. કોચ તરીકે આ તેમનો પ્રથમ પ્રવાસ હશે. આવી સ્થિતિમાં તેમને કોચ તરીકે નિયુક્ત કર્યા બાદ કેકેઆરના ત્રણ ખેલાડીઓ આ પ્રવાસ પર વાપસી કરી શકે છે.

ગૌતમ ગંભીરને કોચ બનાવ્યા બાદ શ્રેયસ ઐયર પણ ટીમમાં વાપસી કરી શકે છે. તે લાંબા સમયથી પીઠની ઈજાથી પીડાઈ રહ્યો હતો. આ વખતે તેણે આઇપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.આઇપીએલમાં તેણે ૩૯.૦૦ની એવરેજથી ૩૫૦ રન બનાવ્યા છે. આ સિવાય તેની કેપ્ટન્સીમાં ટીમ આઇપીએલનો ખિતાબ પણ જીતી ચૂકી છે.

શિવમ દુબે અત્યાર સુધી ટીમ ઈન્ડિયામાં કંઈ ખાસ કરી શક્યો નથી. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર દુબેના સ્થાને વેંકટેશ ઐયરને અજમાવી શકે છે. આ વખતે તેણે આઇપીએલમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૪૬.૨૫ની એવરેજથી ૩૭૦ રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૧૫૭થી વધુ હતો. જરૂર પડ્યે તે બોલિંગ પણ કરી શકે છે. આવી સ્થિતિમાં તે શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં પણ વાપસી કરી શકે છે.

જસપ્રીત બુમરાહને શ્રીલંકા પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા તેના સ્થાને હષત રાણાને તક આપી શકે છે. હષત રાણાએ આઇપીએલમાં નવા બોલ સાથે સારી બોલિંગ કરી હતી. આ સિવાય તેણે ડેથ ઓવરોમાં પણ પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ વખતે તેણે આઇપીએલમાં ૧૯ વિકેટ લીધી હતી. આવી સ્થિતિમાં ગંભીર તેને પણ ટીમમાં સામેલ કરી શકે છે.