ગૌતમ ગંભીર સામે હેડ કોચ બનતા જ અનેક પડકારો ઊભા થશે

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ગૌતમ ગંભીર હવે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બની ગયા છે. શ્રીલંકા વિરુદ્ધ તેઓ પહેલીવાર ભારતીય ટીમ સાથે જોવા મળશે. ગંભીર સામે હેડ કોચ બનતા જ અનેક પડકારો ઊભા થશે. એવું કહેવાય છે કે ગંભીરની સાથે જ સપોટગ સ્ટાફની પણ કવાયત શરૂ થઈ ગઈ છે. આસિસ્ટન્ટ કોચ તરીકે અભિષેક નાયર અને ફિલ્ડિંગ કોચ તરીકે દક્ષિણ આફ્રીકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને દુનિયાના ઉત્કૃષ્ટ ફિલ્ડરમાંથી એક એવા જોન્ટી રોડ્સનું નામ ચર્ચામાં છે. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી ગૌતમ ગંભીરને ઝટકો મળી શકે છે.

વાત જાણે એમ છે કે એક રિપોર્ટ સામે આવ્યો છે કે ગૌતમ ગંભીર જોન્ટી રોડ્સને ફિલ્ડિંગ કોચ તરીકે પોતાની સાથે જોવા માંગે છે પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ તેમની પસંદને ફગાવી દીધી છે. સામાન્ય રીતે બોર્ડ તરફથી મુખ્ય કોચને પોતાના સહયોગી સ્ટાફની પસંદગી માટે છૂટ અપાતી હોય છે. હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ ગૌતમ ગંભીરની જોન્ટી રોડ્સવાળી પસંદ ફગાવી દેવાઈ છે. એવું કહેવાય છે કે ટી દિલીપ ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ રહી શકે છે. આ અગાઉ ગૌતમ ગંભીરે આર વિનયકુમારને બોલિંગ કોચ બનાવવા માટે પોતાનો રસ દેખાડ્યો હતો પરંતુ કહેવાય છે કે આ માંગણી પણ ફગાવી દેવાઈ છે. એટલે કે ગંભીરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ એક સાથે બે ઝટકા મળતા જોવા મળી રહ્યા છે.

જોન્ટી રોડ્સ મામલે એ વાત સામે આવી છે કે બીસીસીઆઈ પોતાના સપોર્ટ સ્ટાફમાં કોઈ વિદેશી દિગ્ગજને રાખવામાં રસ ધરાવતું નથી. છેલ્લા સાત વર્ષથી બીસીસીઆઈએ સંપૂર્ણ રીતે ભારતીય સપોર્ટ સ્ટાફ સાથે કામ કર્યું છે. આવામાં બીસીસીઆઈ તેમાં કોઈ ફેરફાર જોવા માંગતું નથી. એચટીના રિપોર્ટ મુજબ જોન્ટી રોડ્સના નામ પર ચર્ચા થઈ હતી પરંતુ બોર્ડ ફક્ત ભારતીય સ્ટાફને રાખવામાં રસ દેખાડ્યો છે. ટી દિલીપ માટે બીસીસીઆઈએ પોતાના દરવાજા ખુલ્લા રાખ્યા છે. ટી દીલિપના કાર્યકાળમાં ભારતીય ટીમે સારું પરફોર્મન્સ આપ્યું છે. તે બીસીસીઆઈની પસંદ બનેલા છે. નોંધનીય છે કે રાહુલ દ્રવિડની જેમ ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ ટી દીલિપનો કાર્યકાળ પણ ટી૨૦ વર્લ્ડ કપ બાદ પૂરો થઈ ગયો છે. તેમની જગ્યાએ નવા સ્ટાફની શોધ કરવામાં આવશે.