સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના વિદ્યાર્થીઓ દ્વારા સામાજીક પરિપ્રેક્ષ્યમાં યોજાઈ વિભિન્ન સ્થળોની મુલાકાત

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના સમાજશાસ્ત્ર વિભાગ, રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને ઇનોવેશન ક્લબના સંયુક્ત ઉપક્રમે કઠલાલ તાલુકાના વિભિન્ન માળખા જેમ કે, પોલીસ સ્ટેશન, ન્યાયાલય, નારી અદાલત અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની સામાજીક પરિપ્રેક્ષ્યમાં મુલાકાત કરવામાં આવેલ. આજના યુવાનો અને ખાસ કરીને સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન મેળવવાને સ્થાને વાસ્તવિક અર્થમાં પોતાના વ્યવહારિક જીવનમાં વિભિન્ન સામાજીક વજૂદ ધરાવતા ભિન્ન પાસાંઓને સામાજીક પરિપ્રેક્ષ્યમાં સમજે તેમજ સમાજશાસ્ત્રને પોતાના વ્યવહારિક જીવનમાં મૂકતા શીખે તેવા ઉમદા હેતુથી આ મુલાકાતનુ આયોજન કરવામાં આવેલ.

સૌપ્રથમ (જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ) JMFC કોર્ટની મુલાકાત થકી વિદ્યાર્થીઓ ન્યાયાલયની કાર્યપદ્ધતિથી વાકેફ થાય હતા, તેમજ વિશેષપણે સામાજીક સંદર્ભે કેવા પ્રકારના કેસ આવતા હોય છે ? તે અંગેની વિશેષ સમજૂતી રજીસ્ટ્રાર જયેશભાઈ જાદવ દ્વારા વિદ્યાર્થીઓને અપાયેલ. પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.ભીમાણી દ્વારા વિદ્યાર્થીઓને વિભિન્ન ગુનાઓ અને ખાસ કરીને મહિલાઓ સંબંધિત ગુનાઓ અને સાયબર ક્રાઇમ જેવા સાંપ્રત સમાજને સ્પર્શતા મુદ્દાઓ પર માર્ગદર્શિત કરાયા હતા. નારી અદાલત, કઠલાલના તાલુકા કોઓર્ડીનેટર . પારૂલબેન પટેલ દ્વારા વિદ્યાર્થિઓને વિભિન્ન મહિલાલક્ષી કાયદાઓ અંગેની સમજૂતી આપી નારી અદાલતની ભૂમિકા તેમજ ઉદ્દેશ અને કામગીરી પોતાના અનુભવો થકી રોચક શૈલીમાં સમજાવવામાં આવેલ. જ્યારે વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, કઠલાલના સામાજીક કાર્યકર દિનાબેન દ્વારા વિદ્યાર્થીઓને વિભિન્ન મહીલાલક્ષી યોજનાઓ અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની કામગીરી અંગેની માહિતી આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સુચારૂં આયોજન અને સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને ઇનોવેશન ક્લબના કોઓર્ડીનેટર પ્રા. ડો. પલ્લવીકા ભટ્ટ તેમજ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક અને રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડો.પરેશ પટેલ દ્વારા કરવામાં આવેલ.