નેપાળમાં રાજકીય સત્તા માટે ચાલી રહેલો સંઘર્ષ હવે તેજ બન્યો છે. તેમની સરકાર બચાવવા માટે વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ શુક્રવારે બહુમત પરીક્ષણમાંથી પસાર થશે. આ ટેસ્ટમાં પડકાર પ્રચંડ માટે વિશ્વાસનો મત મેળવવાનો છે. બહુમત પરીક્ષણ પહેલા એક બેઠક દરમિયાન નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા અને સીપીએન યુએમએલના કેપી શર્મા ઓલીએ નવી ગઠબંધન સરકારની રચના અંગે ચર્ચા કરી હતી. સંસદના ત્રણ વર્ષના કાર્યકાળમાં બંને પક્ષોના નેતાઓ દોઢ વર્ષ માટે વડાપ્રધાન બનશે તે નક્કી હતું. જેમાં પ્રથમ તબક્કામાં કેપી શર્મા ઓલી વડાપ્રધાન બનશે. એવું માનવામાં આવે છે કે રવિવાર સુધીમાં નવી સરકારની રચના થઈ જશે.
ગયા અઠવાડિયે, સરકારમાં સૌથી મોટી પાર્ટી સીપીએન યુએમએલે નેપાળી કોંગ્રેસ સાથે સત્તા વહેંચણી કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પ્રચંડની સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. આ સાથે સરકારના સૌથી મોટા સહયોગી સીપીએન યુએમએલના આઠ કેબિનેટ મંત્રીઓએ એક્સાથે રાજીનામું આપી દીધું હતું. આ પછી, સીપીએન યુએમએલએ પ્રચંડના રાજીનામાની માંગ કરી હતી, પરંતુ વડા પ્રધાને પદ છોડવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેમને સંસદમાં વિશ્વાસ મતનો સામનો કરવો પડશે. પ્રચંડ વિશ્ર્વાસ મતનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ તેમના માટે સમર્થન મેળવવું એક મોટો પડકાર છે.
શુક્રવારે ફ્લોર ટેસ્ટ પહેલા સીપીએન યુએમએલના પ્રમુખ કેપી શર્મા ઓલી નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેરબહાદુર દેઉબાને મળ્યા હતા. જેમાં નવી સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. દેઉબાના નિવાસસ્થાને બે કલાક સુધી ચાલેલી બેઠક દરમિયાન બંને નેતાઓએ નવી ગઠબંધન સરકાર માટે હસ્તાક્ષર કર્યા અને રાષ્ટ્રપતિને કરાર સોંપવા અંગે ચર્ચા કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર નવી સરકારમાં નાના પક્ષોને પણ સામેલ કરવા પર સહમતિ સધાઈ હતી. બંને પક્ષો સંસદના બાકીના ત્રણ વર્ષના કાર્યકાળ માટે વારાફરતી સરકારનું નેતૃત્વ કરવા માટે એક કરાર પર પહોંચ્યા છે. આ કરાર હેઠળ પ્રથમ તબક્કામાં કેપી શર્મા ઓલી દોઢ વર્ષ માટે વડાપ્રધાન બનશે. એવું કહેવાય છે કે ઓલીના નેતૃત્વમાં અને નેપાળી કોંગ્રેસ દ્વારા સમથત નવી સરકાર રવિવાર સુધીમાં રચાશે.
નેપાળના ૨૭૫ સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં નેપાળી કોંગ્રેસ પાર્ટી પાસે ૮૯ બેઠકો છે. જ્યારે સીપીએન યુએમએલ પાસે ૭૮ બેઠકો છે. બંને પક્ષો પાસે મળીને ૧૬૭ બેઠકો છે, જે બહુમતીનો આંકડો ૧૩૮ મેળવવા માટે પૂરતી છે. જ્યારે પ્રચંડની પાર્ટી પાસે માત્ર ૩૨ સીટો છે. બહુમત પરીક્ષણમાં પ્રચંડને ૬૩ મત મળવાની શક્યતા છે. આવી સ્થિતિમાં પ્રચંડની હાર લગભગ નિશ્ર્ચિત છે. નેપાળમાં છેલ્લા ૧૬ વર્ષમાં ૧૩ વખત સરકારો પડી અને બની છે.