સેશન્સ કોર્ટે કોંગ્રેસના ૫ કાર્યકરોના જામીન નામંજૂર કર્યા. કોર્ટે કહ્યું કે પથ્થરમારો કરવો એ અપરાધ છે. કોઈપણ શખ્સ જાહેરમાં આ રીતે કાયદો હાથમાં ના લઈ શકે. કોંગ્રેસ કાર્યકરો પર કરવામાં આવેલ ફરિયાદ નવા કાયદા મુજબ છે. આથી તેમાં નવા કાનૂની નિયમો લાગુ થશે. જેલમાં બંધ કોંગ્રેસના આ પાંચ કાર્યકરોમાં સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી, વિમલ કંસારા અને હર્ષ પરમારનો સમાવેશ થાય છે. આરોપીઓ તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે આ કાર્યકરોમાં કેટલાક વિદ્યાર્થી છે તો કેટલાક સારી નોકરી કરે છે અને કેટલાક વૃદ્ધ છે. ફરિયાદમાં હકીક્ત કરતાં વધુ ચઢાવીને વાત કરવામાં આવી છે.
અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને વીએચપીના કાર્યકરોએ ૨ જુલાઈના રોજ હુમલો કર્યો હતો. તેના બાદ એ દિવસની સાંજે કોંગ્રેસના અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. મોટી સંખ્યામાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે મારામારી અને પથ્થરબાજી થઈ હતી. આ મામલે પોલીસે દરમ્યાનગીરી કરતા મામલો થાડે પડયો હતો. જો કે આ ઘટનાને લઈને ભાજપ અને કોંગ્રેસે સામ સામે ફરિયાદ નોંધાવતા અરાજક્તા ફેલાવનાર શખ્સની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. અને બાદમાં રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત પહેલા જ તેમને જેલમાં ટ્રાન્સફર કરાયા હતા.
લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ અન્ય પક્ષો સાથેના ગઠબંધને સારો દેખાવ કર્યો હતો. ગઠબંધનના તમામ પક્ષોની સહમતી બાદ રાહુલ ગાંધી વિપક્ષ નેતા બન્યા હતા. ૧ જુલાઈના રોજ લોક્સભામાં પોતાના સંબોધન દરમ્યાન રાહુલ ગાંધીએ હિંદુઓ હિંસક હોય છે તેવી ટિપ્પણી કરતા ભારે વિવાદ સર્જાયો હતો. રાહુલ ગાંધીના હિંદુત્વના નિવેદનથી નારાજ અમદાવાદના ભાજપ અને વીએચપીના કાર્યકરોએ ૧ જુલાઈના રોજ સાંજે કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલાથી નારાજ કોંગ્રેસ કાર્યકરો દેખાવ કરતા હતા ત્યારે ભાજપના કાર્યકરો સાથે મારામારી અને પથ્થરમારાના દ્રશ્યો સર્જાયા હતા.
જણાવી દઈએ કે ૨ જુલાઈના રોજ કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલ પથ્થરમારાની ઘટનામાં પોલીસ પણ ઘાયલ થઈ હતી. આ ઘટનામાં એસીપી, કોનસ્ટેબલ અને હોમગાર્ડ સહિત ૭ લોકોને ઇજા થતા એક પોલીસકર્મી દ્વારા બંને પક્ષના ૨૦૦ થી ૨૫૦ જેટલા કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ખાસ કરીને આ ફરિયાદમાં છસ્ઝ્રમાં કોંગ્રેસના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર અને હેતા પારેખ દ્વારા અન્ય કાર્યકરોને ઉશ્કેરવાનો ઉલ્લેખ કરાયો છે.