ઇસરોની જાસૂસીનો કિસ્સો,વૈજ્ઞાનિક નામ્બી નારાયણનને પણ ફસાવવામાં આવ્યા હતા

સીબીઆઇએ ૧૯૯૪ના ઇસરો જાસૂસી કેસને લઈને કેરળની એક કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. સીબીઆઈએ કહ્યું છે કે જાસૂસીનો આ સમગ્ર એપિસોડ ભારતમાં માલદીવિયન મહિલાની ગેરકાયદેસર અટકાયતને યોગ્ય ઠેરવવા માટે રચવામાં આવ્યો હતો. આ પ્લાન કેરળ પોલીસના તત્કાલીન સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીએ ઘડ્યો હતો. તમને જણાવી દઈએ કે આ કેસમાં ઈસરો અને પૂર્વ ભારતીય અવકાશ વૈજ્ઞાનિક નામ્બી નારાયણનને ફસાવવામાં આવ્યા હતા.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સીબીઆઈએ કહ્યું છે કે માલદીવની નાગરિક મરિયમ રશીદાએ કેરળ પોલીસની તત્કાલીન સ્પેશિયલ બ્રાન્ચ ઓફિસરની ઈચ્છા માનવાનો ઇન્કાર કરી દીધો હતો. આ પછી વિજયને રશીદાના પ્રવાસના દસ્તાવેજો અને એર ટિકિટ લીધી જેથી રશીદા દેશ છોડીને ના જાય. આ પછી વિજયનને ખબર પડી કે રશીદા ઈસરોના વૈજ્ઞાનિક ડી શશીકુમારનના સંપર્કમાં છે. આ પછી રશીદા અને તેની માલદીવિયન મિત્ર ફૌઝિયા હસનને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

સીબીઆઈએ કોર્ટમાં આપેલી માહિતી અનુસાર, આ કેસમાં પોલીસે આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ બ્યુરો એસઆઈબીને પણ મહિલાઓ વિશે જાણ કરી હતી. જોકે, વિદેશી નાગરિકોની તપાસ કરી રહેલા આઈબી અધિકારીઓને તેમાં કંઈપણ શંકાસ્પદ જણાયું ન હતું. આ પછી રશીદાને માન્ય વિઝા વિના દેશમાં હોવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી.

સીબીઆઈએ કોર્ટને જણાવ્યું છે કે તેણે જાસૂસી કેસમાં નંબી નારાયણન અને માલદીવની બે મહિલાઓ સહિત અન્ય પાંચ લોકોને કથિત રીતે ફસાવવા બદલ પાંચ પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ ગયા મહિને ચાર્જશીટ દાખલ કરી હતી પરંતુ તે હવે સાર્વજનિક થઈ ગઈ છે.