પેરિસ,
પશ્ચિમી દેશોના રાષ્ટ્રીય વડાઓ લોકોના આક્રોશને સહજતાથી લેતા હોય છે અને ફ્રાંસના પ્રમુખ ઇમેનુઅલ મેક્રોન ફરી એક વખત લોકરોષનો ભોગ બન્યા છે. એક વાઇરલ થયેલા વીડિયોમાં દર્શાવાયુ છે કે ઓલીવ ગ્રીન ટી શર્ટ પહેરેલી એક મહિલા પ્રમુખ મેક્રોનને થપ્પડ મારે છે. રવિવારે બનેલી આ ઘટના સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે અને આ ઘટના સમયે મીડિયાના લોકો પણ હાજર હતા.
જો કે મેક્રોનના સુરક્ષા કર્મચારીઓએ તૂર્ત જ આ મહિલાને દૂર ખેંચી લીધી હતી. અગાઉ તા. ૮ જૂનના રોજ એક પુરુષે પ્રમુખ મેક્રોનને થપ્પડ ઝીંકી દીધી હતી. ન્યુયોર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ જૂન મહિનાની ઘટનામાં મેક્રોન એક નાના સમુહ પાસે જઇ રહ્યા હતા. ફ્રાંસ ડ્રોમ પ્રાંતમાં બનેલી આ ઘટનામાં તેઓ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે વાત કરવાના હતા.
ખાસ કરીને કોવિડ કાળ દરમિયાન આ ક્ષેત્રને સહન કરવું પડ્યું તેનાથી તેમની રજૂઆતને સાંભળવા ખુદ પ્રમુખ ત્યાં પહોંચ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. રવિવારની ઘટનામાં પોલીસે આ મહિલાને અટકમાં લીધી હતી. જો કે આ વીડિયો રવિવારનો જ છે કે કેમ તે અંગે પ્રશ્ર્ન છે.