- આસામમાં અકસ્માતમાં ૫ જાનૈયા સહિત ૭ લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજયાં
ગોવાહાટી,
આસામમાં એક જીવલેણ માર્ગ અકસ્માતમાં ૭ લોકોના મોત થયા છે. પ્રથમ ઘટનામાં એક ઝડપી ટ્રક અને કાર સામસામે અથડાયા હતા, જેમાં ૫ લોકોના મોત થયા હતા. અન્ય એક માર્ગ અકસ્માતમાં ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક પર સવાર ૨ લોકોના મોત થયા હતા. પોલીસે મંગળવારે આ અકસ્માતોની માહિતી આપી હતી. ભારતમાં તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતો અટકી રહ્યાં નથી. એનએચએઆઇ અને સરકાર દ્વારા સતત નિયંત્રણમાં વાહન ચલાવવાની સલાહ આપવામાં આવે છે, તેમ છતાં માર્ગ અકસ્માતો અટકી રહ્યાં નથી. ભારતમાં, માર્ગ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે.
પોલીસે જણાવ્યું હતું કે બંને માર્ગ અકસ્માત સોમવારે થયા હતા. પ્રથમ ઘટના નવગાંવ જિલ્લામાં બની હતી, બીજી ઘટના સોનિતપુરમાં બની હતી. પોલીસે જણાવ્યું કે નવગાંવના ઉલુની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોલિયાબોરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ૫ લોકોના મોત થયા હતા. આ તમામ લોકો ગોલાઘાટના બોકાખાટથી સોનિતપુર લગ્નમાં જઈ રહ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે ટ્રકને જપ્ત કરી લેવામાં આવી છે, પરંતુ ડ્રાઈવર અને ક્લીનર ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
અકસ્માતની જાણ થતાં મૃતકોના ઘરોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ પહોંચી અને પહેલા તમામ મૃતદેહોને પોલીસ સ્ટેશન લઈ ગયા અને બાદમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા. પોલીસે એફઆઈઆર નોંધીને ટ્રક અને કારને જપ્ત કરી લીધી છે. આ અકસ્માતને પગલે લગ્ન સ્થળે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ખુશીઓ માતમમાં ફેરવાઈ. પરિવારના સભ્યનું આક્રંદ હતું.
સોનિતપુર જિલ્લામાં પણ એક જીવલેણ માર્ગ અકસ્માત થયો હતો. જિલ્લાના તેજપુર નજીક બિહાગુરીમાં એક ઝડપી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત કેટલો ભંયકર હતો એ વાત પરથી સમજી શકાય છે કે બાઇક પર સવાર બે લોકોના મોત થયા હતા. તમને જણાવી દઈએ કે દેશમાં દરરોજ થતા રોડ અકસ્માતમાં ડઝનેક લોકો જીવ ગુમાવે છે. સરકાર માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને રોકવાના પ્રયાસોના ભાગરૂપે સતત જાગૃતિ અભિયાન ચલાવે છે.