વિશ્વ વસ્તી દિવસ દાહોદ: “વિકસિત ભારતની નવી પહેચાન-કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન ”

  • વસ્તી નિયંત્રણ માટે તેમજ લોક જાગૃતિ માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવતા અથાગ પ્રયત્નો.
  • વિશ્વ વસ્તી દિવસ નિમિતે દાહોદમાં વિવિધ જગ્યાએ જૂથ ચર્ચા, માઈક પ્રચાર તેમજ રેલી થકી ઉજવણી કરાઈ.

“વિકસિત ભારતની નવી પહેચાન – કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન” થીમ અંતર્ગત વિશ્વ વસ્તી દિનની ઉજવણી અન્વયે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ દાહોદમાં અનેકવિધ ગામોમાં ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ વસ્તી દિવસ નિમિતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ ગામ જેવા કે, નગરાળા ગામ ખાતે સરપંચના ઘરે જૂથ ચર્ચા કરવામાં આવી હતી. લીમખેડા ખાતે જાહેર માર્ગો પર રેલી કાઢી માહિતી આપતાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ઉપરાંત હિમાલા, સાકરદા તેમજ ખજૂરી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં જૂથ ચર્ચા કરીને વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી.

જે દરમ્યાન આરોગ્ય ટીમ દ્વારા વસ્તી વધારાની સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગે મોડા લગ્ન કરવા, બાળલગ્નો અટકાવવા, નાનું કુટુંબ – સુખી કુટુંબ જેવી બાબતો લક્ષિત દંપતીને જરૂરિયાત મુજબ બિન કાયમી પદ્ધતિ જેવી કે પુરૂષો માટે નિરોધ, સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધક ગોળીઓ, અંતરા ઇન્જેક્શન, બે બાળકો વચ્ચે ગાળો રાખવો, કોપર ટી, બે કે તેથી વધુ બાળકો વાળા દંપતીઓમાં પુરૂષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપી અને ટાકાવાળું ઓપરેશન અંગેની વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી હતી.

માઈક પ્રચાર તેમજ જૂથ ચર્ચા વડે તમામ લોકો કુટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપનાવનાર લાભાર્થીઓને મળતા આર્થિક લાભ લે તેમજ દિકરી યોજના અંતર્ગત મળતા લાભો વિશેની પણ માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત હાલ ચોમાસાની ઋતુને ધ્યાને રાખી ચોમાસાની ઋતુમાં થતા પાણી જન્ય રોગો વિશે પણ માહિતી આપી લોકોને જાગ્રત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

વિશ્વ વસ્તી દિવસની ઉજવણી દરમ્યાન તાલુકા હેલ્થ ઓફીસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સુપરવાઈઝર CHO તેમજ MPHW, આરોગ્ય કર્મચારીઓ, ગામના સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.