દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના બાંડીબાર ગામે આવેલ પોલીસની આઉટ પોસ્ટની ઓફિસમાં તસ્કરોએ કસબ અજમાવી ઓફીસના લોકરમાંથી લીમખેડા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં પોલીસ કર્મચારીનું પર્સ જેમાં રોકડા રૂા.2600 મુકેલ તે ચોરી કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તા.09મી જુલાઈના રોજ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એએસઆઈ સંજયભાઈ મોતીભાઈ વણઝારા તથા તેમની સાથે અન્ય પોલીસ કર્મચારીઓ સવારના નવેક વાગ્યાના આસપાસ બાંડીબાર આઉટ પોસ્ટ ખાતેની ઓફિસ પર હાજર હતાં અને ઓફીસ તેમજ પરચુરણ અરજી લગત કામ પુર્ણ કરી આશરે એકાદ વાગ્યાની આસપાસ અરજીના કામે અરજાદરને તથા સમન્સ વોરંટ નોટીસની કામગીરી અર્થે બાંડીબાર આઉટ પોસ્ટની ઓફીસને લોક મારી ફીલ્ડની તેમજ અન્ય કામગીરી કરી લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે આવ્યાં હતાં. આ દરમ્યાન એએસઆઈ સંજયભાઈ પોતાનું પર્સ બાંડીબારની આઉટ પોસ્ટની ઓફિસમાં પોતાનું પર્સ ભુલી જતાં જેમાં રોકડા રૂપીયા 2600 જેટલા હતા.
તે લેવા માટે સાંજના પાંચેક વાગ્યાના આસપાસ બાંડીબારની આઉટ પોસ્ટની ઓફિસે પહોંચતાં જ્યાં આઉટ પોસ્ટની ઓફિસના દરવાજાનું લોક તુટેલ હાલતમાં જોવા મળ્યું હતું અને ઓફિસમાં જઈ તપાસ કરતાં ઓફિસમાં ડ્રોવરમાં મુકી રાખેલ રોકડા રૂા.2600 ભરેલ પર્સ જોવા મળ્યું ન હતું અને ઓફિસનો સરસામાન પણ વેરવિખેર જોઈ ઓફિસમાં ચોરી થઈ હોવાનું જણાતાં આ સંબંધે લીમખેડા પોલીસ સ્ટેશનના એએસઆઈ સંજયભાઈ મોતીભાઈ વણઝારાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.