ગર્ભવતી મહિલા દુ:ખથી પીડાતી રહી, હોસ્પિટલના પાપે રસ્તા પર બાળકને જન્મ આપ્યો

તિરૂપતિ,

આંધ્ર પ્રદેશના તિરુપતિથી એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં હોસ્પિટલે ગર્ભવતી મહિલાને દાખલ ન કરતા તેમણે રસ્તા પર જ બાળકને જન્મ આપવો પડ્યો. ઘટના તિરુપતિ મેટરનિટી હોસ્પિટલની છે.

હોસ્પિટલની બહાર જ મહિલાને પ્રસવ પીડા થવા લાગી તો અજાણ્યા લોકો મદદ માટે આગળ આવ્યા. તેમણે મહિલાની ડિલીવરી કરાવી. દરમિયાન ત્યાં હાજર કોઈ શખ્સે આનો વીડિયો બનાવી લીધો અને વાયરલ કરી દીધો. વીડિયો અનુસાર અમુક મહિલાઓ ગર્ભવતી મહિલાને કવર કરવા માટે બેડશીટ પકડેલી છે.

મહિલાને કથિત રીતે હોસ્પિટલના કર્મચારીઓએ કહ્યુ હતું કે તેઓ તેમને દાખલ કરી શકશે નહીં કેમ કે તેમની સાથે કોઈ નહોતું. જે વ્યક્તિએ મહિલાની બાળકને જન્મ આપવામાં મદદ કરી તે એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં કામ કરે છે.

મહિલા અને બાળકને બાદમાં હોસ્પિટલમાં લઈ જવાયા અને હવે એ આશ્ર્વાસન અપાયુ છે કે પરિજનો વિના પણ કોઈ ગર્ભવતી મહિલાને દાખલ કરવાની ના પાડવી જોઈએ નહીં. વીડિયો વાયરલ થયા બાદ તિરુપતિ જિલ્લા સ્વાસ્થ્ય ઈન્ચાર્જે કહ્યુ કે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.