- કુખ્યાત બુટલેગર અમરીશ મિશ્રા વિરૂદ્ધ દારૂ પીવાનો કેસ કરીને લોકઅપમાં પુરી દીધો
અમદાવાદ,
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ખરાબ થતી હોય તેવું લાગી રહ્યુ છે. વાલમાં થોડા દિવસ પહેલા ૧૫ કરતા વધુ લુખ્ખા તત્વોએ કારના તેમજ વાહનોના કાચ તોડીને મચાવેલા આતંકનો મામલો હજુ શાંત નથી પડ્યો, ત્યારે એક કુખ્યાત બુટલેગરે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં કારના કાચ તોડીને રહીશોને ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે.
બુટલેગર બંગ્લોઝમાં ઘુસી ગયો હતો અને તેણે બેટ વડે મહિલાઓને ધમકી આપી હતી અને બાદમાં કારના કાચ તોડી નાખ્યા હતા. બંગ્લોઝમાં રહેતા રહીશોએ બુટલેગરની હરક્તો મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ રાજુભાઇએ નારોલ પોલીસ સ્ટેશનમાં કુખ્યાત બુટલેગર અમરીશ મિશ્રા વિરૂદ્ધ દારૂ પીવાનો કેસ કરીને લોકઅપમાં પુરી દીધો છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદથી તદ્દન વિપરીત હકીક્ત સામે આવી છે, જેના કારણે નારોલ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે.
અમરીશ મિશ્રા નારોલ વિસ્તારમાં આવેલા પુષ્પક બંગ્લોઝમાં રહે છે અને દારૂનો ધંધો કરે છે. ગાડી પાર્ક કરતી વખતે હોર્ન વગાડવાને લઇને મામલો બિચક્યો હતો. જેના કારણે અમરીશ મિશ્રા ઉશ્કેરાયો હતો. અમરીશ મિશ્રા પડોશમાં રહેતા પડોશીઓના ઘરમાં બેટ લઇને ઘુસી ગયો હતો અને મહિલાઓને ગાળો ભાંડી હતી. ગાળો આપ્યા બાદ અમરીશ મિશ્રાએ ઘરની બહાર પડેલી કારના કાચ તોડી નાખ્યા હતા. નારોલ વિસ્તારના બુટલેગર અમરીશ મિશ્રાએ દારૂ પીધેલી હાલતમાં તેની સોસાયટીમાં તરખાટ મચાવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અમરીશ મિશ્રાની દાદાગીરીનો વીડિયો એક સગીરાએ ઉતારી લીધો હતો.
પુષ્પક બંગલોઝમાં રહેતા અમરીશ મિશ્રા નામના વ્યક્તિએ આસપાસના રહીશોને ગાળો ભાંડી કારમાં તોડફોડ કરી હતી. અમરીશ એટલી હદ સુધીનો ઉશ્કેરાયેલો હતો કે તેણે કારમાં કાચ તોડતી વખતે બેટ પણ તોડી નાખ્યુ હતું. રહીશો કાર પાર્ક કરતા હતા ત્યારે હોર્ન વગાડતા અમરીશ મીશ્રા ઉશ્કેરાયો હતો અને ધોળા દિવસે બબાલ કરી દીધી હતી. ગઇકાલે અમરીશ મિશ્રાએ મચાવેલા આતંક બાદ નારોલ પોલીસે અમરીશ વિરૂદ્ધ ખાલી પીધેલાનો કેસ કર્યો છે અને તેણે સ્થાનિક રહીશોને ધમકી આપી અને કારમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો તેની પણ એક ફરિયાદ નોંધાઇ છે. અમરીશ મિશ્રા મોટા ગજાનો બુટલેગર છે. થોડા સમય પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે તેના ઘરે રેડ કરી હતી, પરંતુ દારૂનો જથ્થો મળી આવ્યો નહોતો. હાલ અમરીશ મિશ્રા દારૂનો ધંધો કરે છે તેવા આરોપ ઉઠ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તેના વિરૂદ્ધ શું કાર્યવાહી કરે છે.