જૂઠની રાજનીતિની અસર

જૂઠની રાજનીતિની અસર

ભાજપના નેતૃત્વમાં રાજગ સરકાર ગઠિત થવા છતાંયે હજી સુધી ચૂંટણી પ્રદર્શનનું અલગ અલગ દૃષ્ટિકોણથી વિશ્લેષણ થઇ રહયું છે. આ ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન અપેક્ષા કરતા થોડું નબળું અને ગત ચૂંટણીની તુલનામાં ૬૩ બેઠકો ગૂમાવવી પડી છે. આમ થવા અંગેના કારણોની તપાસ થઇ રહી છે. જેમાં મુખ્ય કારણ આરક્ષણ અને સંવિધાનને લઇને વિપક્ષી દુષ્પ્રચાર એવો રહ્યો હતો કે ભાજપા આરક્ષણ-સંવિધાન સાથે છેડછાડ કરશે. આ જૂઠાણાને ભાજપ યોગ્ય સમયે, યોગ્ય રીતે કાપી ન શકી અને તેની રાજનીતિક કિંમત ચૂકવવી પડી. જોકે ભાજપે સંવિધાન સંરક્ષણથી લઇને દલિતો-આદિવાસીઓ અને ઓબીસી વર્ગ માટે જે કાંઇ કર્યુ છે તે થકી તે વિપક્ષી એજન્ડાની હવા કાઢી શક્તું હતું. પરંતુ ભાજપ મતદારોને એ વાત સમયસર, સ્પષ્ટપણે જણાવી ન શકયું કે તેણે દલિતો અને ઓબીસીના હિતમાં કેટલા વ્યાપક પગલાં ભર્યા છે.

અગાઉ અટલબિહારી વાજપેયીના કાર્યકાળમાં સંસદ અને રાજય વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની સમયસીમાને દસ વર્ષ આગળ વધારવા સંબંધી સંવિધાન સંશોધનને જાન્યુઆરી ર૦૦૦માં મંજૂરી પ્રદાન કરવામાં આવી હતી. મોદી સરકાર પણ આ જ રસ્તે આગળ વધી. તેણે જાન્યુઆરી ર૦ર૦માં આરક્ષણને ૧૦૪મા સંવિધાન સંશોધનના માધ્યમથી દસ વર્ષ માટે આગળ વધાર્યો. વર્ષ ૧૯પ૦માં સંવિધાન લાગૂ થયા બાદ આ આરક્ષણનું ૧૦ વર્ષ માટે પ્રાવધાન કરાયું હતું. જો કે એ સત્ય છે કે એક બાદ એક સરકારોમાં આ આરક્ષણને આગળ વધારવાની પરંપરા રહી હતી પરંતુ જો ભાજપના મનમાં કોઇ ખોટ હોત તો શું તેની સરકાર આ કદમ ઉઠાવતી?

વાજપેયી સરકાર દરમ્યાન ત્રણ અન્ય સંવિધાન સંશોધનોથી દલિત અને ઓબીસી વર્ગ પ્રતિ તેની પ્રતિબદ્વતા રેખાંક્તિ થાય છે. વાજપેયી સરકારે જૂન ર૦૦૦માં ૮૧મા સંશોધનના માધ્યમથી અનુચ્છેદ ૧૬માં સંશોધન કરીને બેકલોગ જગ્યાઓમાં એસસી અને એસટીના આરક્ષણને સંરક્ષણ પ્રદાન કર્યુ. જાન્યુ.ર૦૦રમાં વાજપેયી સરકારે ૮પમા સંશોધનના માધ્યમથી અનુચ્છેદ ૧૬માં પુન: સંશોધન કર્યુ. જે એસસી, એસટીના લોકોની ઉન્નતિમાં વરિષ્ઠતાના ક્રમને સંબોધિત કરવા અંગે કેન્દ્રિત હતો. વાજપેયી સરકાર દ્વારા કરાયેલ ૮૯મા સંવિધાન સંશોધન પણ મહત્વપૂર્ણ રહ્યો, જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને અલગ અલગ ભાગમાં વિભાજીત કરાયો.

મોદી સરકારે પણ વાજપેયી સરકારની તે જ વિરાસતને આગળ વધારી અને તેને સમૃદ્વ કરી. જેમાં ખાસ કરીને એસસી, એસટીના ઉત્થાનમાં મુખ્ય ભૂમિકા રહેવા પામી. મોદી સરકારે ઓગસ્ટ,ર૦ર૧માં અત્યંત મહત્વપૂર્ણ ૧૦પમા સંવિધાન સંશોધન કર્યુ. જેના દ્વારા અનુચ્છેદ ૩૩૮બી, ૩૪રએ અને ૩૬૬માં સંશોધન કરીને ઓબીસીને ચિહ્નિત કરવાની રાજય સરકારોને સત્તા આપવામાં આવી. તે અગાઉ મે,ર૦ર૧માં ઉચ્ચતમ ન્યાયાલયે એક નિર્ણય સૂણાવયો હતો, જેમાં ઓબીસી માટે જાતિઓની પસંદગી કરવાનો અધિકાર ફક્ત કેન્દ્ર સરકારને આપવામાં આવ્યો હતો. આ સંશોધન ન કેવળ રાજય સરકારોના સશક્તિકરણ માટે આવશ્યક હતો, પરંતુ તેના દ્વારા સંઘવાદના સિદ્વાંતને પણ અક્ષુણ્ણ રાખવામાં આવ્યો. જે રાજકીય પક્ષે આ બધું કર્યુ હોય તેની પર એસસી અને એસટીના આરક્ષણને સમાપ્ત કરવાનો આરોપ લગાવી શકાય? આ વર્ગોના આરક્ષણ સમાપ્ત કરવાના આરોપો સામે ભાજપની સરકારમાં થયેલ ૮૧,૮ર, ૮પ અને ૧૦પમા સંવિધાન સંશોધનોના માધ્યમથી એસસી, એસટી અને ઓબીસીના વ્યાપક હિતોની પૂત સુનિશ્ર્ચિત કરવામાં આવી.

સંવિધાન સંશોધન સંખ્યા ૧૦પ ઓબીસીના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ છે. ઉચ્ચત્તમ ન્યાયાલયે ઓબીસીના નિર્ધારણમાં કેન્દ્ર સરકારને જ એકાધિકાર પ્રદાન કર્યો હતો, પરંતુ મોદી સરકારે આ શક્તિ રાજયોને હસ્તાંતરિત કરવાનો નિર્ણય કર્યો. કારણ કે તેની દૃષ્ટિમાં ઓબીસીને લઇને સમુદાયોના દાવાઓના આકલનમાં રાજય સરકારો વધુ બહેતર સ્થિતિમાં હોય છે. સાથોસાથ આ સંઘીય ઢાંચાને સશક્ત કરનારું પગલું પણ હતું, જયારે વિપક્ષી દળ આ રાગ આલાપતા રહ્યા હતા કે મોદી સરકાર સંઘીય ઢાંચાને હચમચાવવા માંગી રહી છે. ઉલ્લેખનીય છેકે, ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓબીસી સમુદાયમાંથી આવે છે. પોતાના શાસનકાળમાં તેઓએ દલિત સમુદાયના રામનાથ કોવિન્દને રાષ્ટ્રપતિ બનાવ્યા તો ત્યારબાદ અનુસૂચિત જનજાતિના દ્રૌપદી મુર્મુને આ મહત્વના સંવૈધાનિક પદ પર નિયુક્ત કર્યા. આ સમુદાયો પ્રતિ આવી અતૂટ અને અસંદિગ્ધ નિષ્ઠા હોવા છતાંયે ભાજપ વિરોધીઓ દ્વારા રચાયેલ જૂઠ પ્રપંચને ભાજપ પરાસ્ત ન કરી શકયું.