છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમતાં, ઓફિસમાં કામ કરતી વખતે ડાન્સ કરતાં-કરતાં હાર્ટએટેક આવવાના કેસ છાસવારે સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૬ મહિનામાં રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના ૪૦૦૪૭ કેસ નોંધાયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે ૨૨૩ અને પ્રતિ કલાકે સરેરાશ ૯ જેટલા લોકો હૃદયને લગતી બિમારીના શિકાર બને છે.
આ અંગે ઈમરજન્સ સેવા ૧૦૮ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૨૩ના પ્રથમ છ મહિના એટલે કે જાન્યુઆરી થી જૂન કરતાં ૨૦૨૪માં જાન્યુઆરી થી જૂનમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં ૨૦ ટકાનો વધારો થયો છે. હૃદયને લગતી ઈમરજન્સીના કેસ જાન્યુઆરી થી જૂન ૨૦૨૩માં ૩૩૯૩૬ જ્યારે જાન્યુઆરી થી જૂન ૨૦૨૪ માં ૪૦૦૪૭ કેસ નોંધાયા છે. આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ ૭૧૭૫ જ્યારે એપ્રિલમાં ૫૯૦૭ કેસ નોંધાયેલા છે.
બીજી તરફ અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન ૨૦૨૪ માં ૧૧૭૮૨ અને જાન્યુઆરીથી જૂન ૨૦૨૩માં ૧૦૧૫૦ કેસ હૃદયને લગતી ઈમરજન્સીના કેસ નોંધાયા છે. આમ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ ૬૫ લોકો હૃદયને લગતી ઈમરજન્સીના શિકાર બને છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલની પરિસરમાં આવેલી યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાડયોલોજીમાં ૧૪૭૫૬ જેટલી કાડયાક પ્રોસિજર થયેલી છે. જેમાં ૨૬૩માં બલૂન, ૭૭૫માં ડિવાઇસ, ૬૨૨માં પેસમેકર નખાયું હતું જ્યારે ૩૯૩૯માં સ્ટેન્ટિંગ પ્લાસ્ટિની સારવાર અને ૯૧૫૭ને હૃદયને લગતી વિવિધ સારવાર અપાઈ હતી.
બીજી તરફ હૃદયને લગતી સારવાર ૨૦૨૨માં ૨૬૭૨૮ અને ૨૦૨૩મા ૨૯૫૧૦ નોંધાઈ હતી. હાલની સ્થિતિ પ્રમાણે છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વખતે હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે.ડોક્ટરોના મતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થવા માટે ફાસ્ટફૂડ, લાઈફ સ્ટાઈલ મુખ્ય જવાબદાર પરિબળ છે.અનેક લોકો પૂરતી ક્સરત કે નિયમિત વોકિંગમાં ગયા વિના અચાનક વધારે પડતો શ્રમ લઈ લે તેવા કિસ્સામાં પણ હૃદયરોગનો હુમલો હોય છે.
યોગ્ય આહારશૈલી, નિયમિત વોકિંગ-ક્સરત, પૂરતી ઊંઘથી હૃદયની તંદુરસ્તીમાં વધારે કરી શકાય છે. ડોક્ટરના મતે હાર્ટ એટેકથી બચવા તણાવમુક્ત જીવન, નિયમિત આહાર, પુરતી ઊંઘ / આરામ, સારો સાત્વીક ખોરાક, તાજા, લીલા શાકભાજી તથા ફળ યુક્ત ખોરાક વધારે લેવા જોઈએ.
છાતી ભારે લાગવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકાર સંભાળાવવા, શ્ર્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશક્તિ લાગવી તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠદદ થવું, જડબામાં દુખવું હાથ ભારે લાગવા મુખ્ય લક્ષણો હોય છે.