મોદીની રશિયા સાથે સારી મિત્રતાથી અમને નહીં પરંતુ પશ્ચિમી દેશોને સમસ્યા થઈ રહી છે,ચીન

હાલમાં આખા વિશ્ર્વનું ધ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છે કારણ કે, તેઓ રશિયાના પ્રવાસે છે. જ્યારથી પીએમ મોદી રશિયા પહોંચ્યા છે ત્યારથી અમેરિકાની નજર તેમના પર છે. બીજી તરફ હવે ચીને પણ પીએમ મોદીના રશિયા પ્રવાસ અંગે મોટું નિવેદન આપ્યું છે. ચીને સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબારમાં પીએમ મોદીનો રશિયા પ્રવાસ અને તેનાથી વધતી પશ્ર્ચિમી દેશોની ચિંતા પર નિવેદન આપ્યું છે. ચીને કહ્યું કે, નરેન્દ્ર મોદીની રશિયા સાથે સારી મિત્રતાથી અમને નહીં પરંતુ પશ્ર્ચિમી દેશોને સમસ્યા થઈ રહી છે. ત્રીજા કાર્યકાળની શરૂઆત બાદ પીએમ મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. આ દરમિયાન તેમણે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી અને અનૌપચારિક બેઠકમાં ખુલીને વાત પણ કરી હતી.

પુતિન અને પીએમ મોદીની મુલાકાત અંગે ચીને કહ્યું કે, કેટલાક પશ્ર્ચિમી મીડિયા આ યાત્રા પર ચાંપતી અને આશંકા સાથે નજર રાખી રહ્યા છે. ચીને કહ્યું કે, રશિયાના ચીન સાથે વધી રહેલા સબંધ સંભવિત રીતે ભારત અને રશિયાના સબંધોને પ્રભાવિત કરી શકે છે.

ચીને કહ્યું કે, મોસ્કો સાથે નવી દિલ્હીના ગાઢ બની રહેલા સંબંધો પશ્ચિમી દેશોની વધતી ચિંતાઓને ઉજાગર કરી રહ્યા છે. ચીનના મતે પશ્ચિમી મીડિયા મોદીની રશિયા પ્રવાસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયા બાદ મોદીનો આ પ્રથમ રશિયાનો પ્રવાસ છે.વીઓએ સહિત કેટલાક મીડિયા આઉટલેટ્સે દાવો કર્યો છે કે મોદીનો હેતુ એ સુનિશ્ર્ચિત કરવાનો છે કે ચીન સાથેના રશિયાના સંબંધો ભારત સાથેના તેના સંબંધોને અસર ન કરે.

ચીને દાવો કર્યો કે, પશ્ચિમી દેશોને ભારતના રશિયા સાથેના ગાઢ બની રહેલા સબંધોની વધુ ચિંતા છે. સિચુઆન ઈન્ટરનેશનલ સ્ટડીઝ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ રિલેશન્સના પ્રોફેસર લોંગ જિંગચુને સોમવારે ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું કે, ચીન રશિયા-ભારતના નજીકના સંબંધોને ખતરા તરીકે નથી જોતું, જ્યારે પશ્ર્ચિમી દેશો રશિયા સાથે ભારતના સંબંધોથી અસંતુષ્ટ છે.

ચીને કહ્યું કે, પશ્ર્ચિમી દેશોએ સતત ભારતને પશ્ચિમી ખેમેમાં ખેંચવાનો અને ચીનના પ્રભાવને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ભારતની પ્રતિક્રિયા પશ્ર્ચિમ દ્વારા કરવામાં આવેલી રાજકીય અને રાજદ્વારી પહેલને અનુરૂપ નથી રહી જેના કારણે તેઓ સતત નિરાશ થઈ રહ્યા છે. પશ્ચિમી દબાણ છતાં મોદીએ પોતાના ત્રીજો કાર્યકાળ શરૂ કર્યા પછી વિદેશ યાત્રા માટે તેમના પ્રથમ સ્થળ તરીકે રશિયાને પસંદ કર્યું.

ચીનના મતે પીએમ મોદીના આ પગલાનું ઉદ્દેશ્ય માત્ર રશિયા સાથે ભારતના સબંધો મજબૂત કરવાનો જ નહીં પરંતુ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો સાથે વ્યવહારમાં ભારતની તાકાત વધારવાનો પણ છે. નિષ્ણાતોએ કહ્યું કે, ભારત જેવા મોટા દેશ માટે રશિયા સાથે સ્થિર સબંધ બનાવી રાખવા અને સંરક્ષણ ઉદ્યોગ સહકાર જારી રાખવો મહત્વપૂર્ણ છે.