હંમેશા વિવાદોમાં રહેતી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વીર નર્મદ યુનિવસટીમાં મોટાપાયે બોગસ પ્રવેશ આપવાનુ કૌભાંડ ચાલતુ હોવાનો પૂર્વ સેનેટ સભ્યએ આરોપ લગાવ્યો છે. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને બીસીએ, બીબીએ, એમબીએ, બી.એસ.સીમાં બોગસ પ્રવેશ અપાયાનો આરોપ પૂર્વ સિન્ડીકેટ મેમ્બરે લગાવ્યો છે અને તાત્કાલિક તેના પર રોક લગાવવાની માગ કરી છે.
રાજ્યમાં પેપર લીક થવા, બોગસ સર્ટી બનાવવા જેવી અનેક ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવસટીના પુર્વ સેનેટ સભ્યએ શહેરમાં બોગસ સ્ટડી સેન્ટરોમાં મોટા પ્રમાણમાં બોગસ પ્રવેશ થતો હોવાનો આરોપ લગાવ્યો છે. પુર્વ સેનેટ ભાવેશ રબારી બીસીએ,બીબીએ,એમબીએ આઇટીના કોર્સ અને પરીક્ષા સહિત સટફિકેટમાં કૌભાંડ ચાલતું હોવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓને બસમાં ભરી ગાંધીનગર લઈ જઈ ખાનગી યુનિવર્સિટીમાં પરીક્ષા આપી એસએસઆઇસી થકી વિદ્યાર્થીઓને પાસ કરાવી ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલતું હોવાની રાજ્યપાલ અને વીએનએસજીયુના કુલપતિને ફરિયાદ કરી છે.
ઉલ્લેખનીય છે કે વીએનએસજીયુના કુલપતિને ફરિયાદ કરતા સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.વીએનએસજીયુના કુલપતિએ દાવો કર્યો છે કે તપાસ સમિતિ જે રિપોર્ટ આપશે ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે.આ અગાઉ યુનિવર્સિટી માસ્ટર ઓફ આર્ટ્સ ઈકોનોમિક્સની એક્સટર્નલ પરીક્ષાના પરિણામને કારણે વિવાદમાં આવી છે. જ્યારે એમએની ઈકોનોમિક્સ એક્સટર્નલ પરીક્ષા આપનાર ૧૪૧ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૧ વિદ્યાર્થી જ પાસ થયો હતો, જ્યારે બાકીના ૧૪૦ વિદ્યાર્થીઓને નાપાસ થયા છે.માત્ર એક વિદ્યાર્થી પાસ થતા યુનિવર્સિટી સામે સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે પરિણામાં વિસંગતતા મુદ્દે હવે યુનિવર્સિટી સામે સવાલ ઉઠી રહ્યા છે.-