- હાર્વર્ડ મોડેલ યુનાઈટેડ નેશન્સમાં સતત બે વર્ષ શ્રેષ્ઠ પ્રતિનિધિ તરીકે એવોર્ડ મેળવનાર તારિકાસિંહ લુણાવાડા રાજવી પરિવારની પૌત્રી.
હાર્વર્ડ મોડેલ યુનાઈટેડ નેશન્સમાં સતત બે વર્ષ જુદા જુદા દેશો મોઝામ્બિક અને નાઇઝર દેશના પ્રતિનિધિ તરીકે હાજરી આપી શ્રેષ્ઠ પ્રતિનિધિ તરીકે એવોર્ડ મેળવનાર લુણાવાડા રાજવી પરિવારની પૌત્રી તારિકાસિંહે લુણાવાડાની કિસાન માધ્યમિક વિધ્યાલયમાં મોડેલ યુનાઈટેડ નેશન્સ (MUN) મન વિષે સંવાદ સાધી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. ઓકેસી સંકુલ શાળા પરિવાર દ્વારા તેમનું સન્માન કરાયું હતું.
તેમણે મોડેલ યુનાઈટેડ નેશન્સ વિષે વિસ્તૃત જાણકારી આપતા આંતરરાષ્ટ્રીય માઈગ્રેશન અને નાર્કોટિક ડ્રગ્સ અંગે રજૂ કરેલા વિચારોની માહિતી આપી વિદ્યાર્થીઓ સાથે પ્રશ્ર્નોત્તરી કરી સંવાદને માહિતીપ્રદ બનાવ્યો હતો. હાલના સમયની પડકારજનક નાર્કોટિક ડ્રગ્સની સમસ્યા નિવારણ માટે મોડેલ યુએનમાં રજૂ કરેલ ઉપાયો અંગે જાણકારી આપી હતી.
રાજવી પરિવારના પુષ્પેન્દ્રસિંહજીએ રજવાડા સમયે પ્રગતિશીલ ગણાતા લુણાવાડા રાજ્યએ સ્ત્રીશિક્ષણમાં આગવી પહેલ કરી હતી અને આજે પૌત્રી તારિકાસિંહને શ્રેષ્ઠ કાર્ય બદલ એવોર્ડ મળ્યો અને લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય એ સન્માન કર્યું ત્યારે ખૂબ ગૌરવની લાગણી અનુભવાય છે. તેમાંથી અન્ય બાળકો પણ તેમાંથી પ્રેરણા મેળવી આગળ વધશે તેવી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ આચાર્ય એચ.વાયઙ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો અને કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક હિતેશ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.